કેબિનેટનો મોટો નિર્ણય, મહિલાઓ માટે નવી યોજના મંજૂરી, ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ પાંચ વર્ષ લંબાવાઈ
મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પુરા પાડવાની યોજનાને મંજુરી આપી
PMGKAY માટે આગામી 5 વર્ષમાં રૂ.11 લાખ કરોડથી વધુનો ખર્ચ કરાશે
નવી દિલ્હી, તા.29 નવેમ્બર-2023, બુધવાર
કેબિનેટની બેઠકમાં આજે મહિલાઓ માટેની નવી યોજના અંગે મોટો નિર્મય લેવાયો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે, મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પુરા પાડવાની યોજનાને મંજુરી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કૃષિમાં કરી શકે અને તેમને ભાડેથી ડ્રોન મળી રહે તે માટે 2023-24થી 2025-26 દરમિયાન પસંદ કરાયેલ 15000 મહિલા સ્વસહાય જૂથો (Women Self Help Groups Drone Scheme)ને ડ્રોન આપવામાં આવશે.
સરકાર ડ્રોન પ્રોજેક્ટ પર ખર્ચ કરશે1261 કરોડ રૂપિયા
કેન્દ્રીય મંત્રીમંડળે 2 વર્ષ માટે 15000 મહિલા સ્વસહાય જૂથો (SHG)ને ડ્રોન ઉપલબ્ધ કરાવવાની એક કેન્દ્રીય યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકાર આ પ્રોજેક્ટ પાછળ 1261 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
ખેડૂતો ભાડેથી લઈ શકશે ડ્રોન
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, યોજનાનો મુખ્ય હેતુ 2024થી 2026 દરમિયાન ડ્રોનનો કૃષિના ઉપયોગ કરવા માટે ખેડૂતોને ભાડે આપવાની સેવા પુરી પાડવા 15000 પસંદગી પામેલા મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન ઉપલબ્ધ કરાવવાની છે.
ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સમયગાળો વધારાયો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana-PMGKAY)ને 1 જાન્યુઆરી 2024થી આગામી 5 વર્ષ માટે વધારવામાં આવી છે. અત્યોદય પરિવારોને મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાથી 81 કરોડથી વધુ લોકોને લાભ મળશે. આ યોજના માટે આગામી 5 વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગત 5 વર્ષમાં લરભગ 13.50 કરોડ ભારતીય ગરીબી સ્તરથી ઉપર આવ્યા છે, જે મોદી સરકારની મોટી ઉપલબ્ધી છે.