કેન્દ્રનું બજેટ 'લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે'નું છે : નિર્મલા સીતારામન
કર કપાત મુદ્દે અધિકારીઓને સમજાવવામાં ઘણો સમય લાગ્યો
કરમાં છૂટથી પ્રમાણિક કરદાતાઓ પાસે રૂ. ૧.૧ લાખ કરોડની વધારાની રકમ રહેશે, જેનાથી ઘરેલુ માગ વધારવામાં મદદ મળશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે સતત આઠમું બજેટ રજૂ કર્યું, જેમાં સૌથી વધુ ચર્ચા રૂ. ૧૨ લાખની આવક સુધી શૂન્ય ટેક્સની જાહેરાત સાથે ટેક્સ સ્લેબ પર થઈ હતી. આ અંગે સીતારામને કહ્યું કે, વડાપ્રધાન મોદી સંપૂર્ણપણે ઈન્કમ ટેક્સમાં કાપ મૂકવાની તરફેણમાં હતા. તેઓ શરૂઆતથી જ આવું ઈચ્છતા હતા. અમને તે લાગુ કરાવવા માટે સૌથી વધુ સમય બ્યુરોક્રેટ્સને સમજાવવામાં લાગ્યો.
નાણામંત્રી સીતારામને કહ્યું કે, અમે મધ્યમ વર્ગનો અવાજ સાંભળ્યો છે. તેઓ પ્રમાણિક કરદાતા હોવા છતાં તેમની અપેક્ષાઓ પૂરી નહીં થતી હોવાની ફરિયાદો થતી હતી. વડાપ્રધાન મોદી આ બાબતમાં શરૂઆતથી જ એકદમ સ્પષ્ટ હતા કે આપણે ટેક્સ કાપ માટે કંઈક કરવું જોઈએ. વડાપ્રધાન પછી અમારા મંત્રાલયે આ મુદ્દે કંઈક કરવાનું હતું. અમારે આ મુદ્દા પર યોજના બનાવવાની અને તેને પ્રસ્તાવરૂપે આગળ વધારવાની હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન દલિતો, પછાતો, આદિવાસીઓ અને સામાન્ય જનતાની વાતો સાંભળે છે અને તેમની જરૂરિયાતોને સમજે પણ છે. કેન્દ્ર સરકાર પણ બધા માટે કામ કરે છે અને તેમની સમસ્યાઓનું નિવારણ કરે છે.
ઈન્કમ ટેક્સમાં છૂટની મર્યાદા રૂ. ૭ લાખથી સીધી જ વધારીને રૂ. ૧૨ લાખ કરવાના પગલાંને કેન્દ્ર તરફથી 'મધ્યમ વર્ગ'ને વોટ બેંક તરીકે સાધવાના પ્રયાસ રૂપે જોવામાં આવે છે ત્યારે નાણામંત્રીએ કહ્યું કે, આ પગલાંથી સામાન્ય કરદાતા પાસે રૂ. ૧.૧ લાખ કરોડની વધારાની રકમ રહેશે, જેનાથી ઘરેલુ માગ વધવામાં મદદ મળશે.
તેમણે ઉમેર્યું કે, મધ્યમ વર્ગમાં એ ચર્ચા સામાન્ય હતી કે છેવટે તેમને શું મળ્યું? અમારું ફોકસ દરેક વખતે ક્ષેત્રના લોકો પર રહેતું હોય છે. આ વખતે અમે જોયું કે માસિક ઓછામાં ઓછા રૂ. ૧ લાખની કમાણી કરનારાની લાઈફસ્ટાઈલ કેવી છે. આ લોકો કેવી રીતે રહે છે તે જોયા પછી અમે એ નિર્ણય કર્યો કે માસિક રૂ. ૧ લાખની કમાણી કરનારાને છૂટ આપવામાં આવે.