બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્રનો ઇન્કાર
- એનડીએના સાથી પક્ષ જદ(યુ)ને મોટો ફટકો : રાજકારણ ગરમાયુ, વિપક્ષે નિતિશને ઘેર્યા
- સત્તા માટે બિહારની જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓ સાથે બાંધછોડ કરનારા નિતિશે મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવુ જોઇએ : લાલુ
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમત ના મળતા ભાજપે સાથી પક્ષોની સાથે મળીને કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવી છે, આ ગઠબંધનવાળી સરકારમાં સામેલ થનારા બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારના પક્ષ જદ(યુ)એ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી હતી. જોકે હવે કેન્દ્ર સરકારે નિતિશ કુમાર અને જદ(યુ)ને મોટો ફટકો આપ્યો છે. કેન્દ્રએ લોકસભામાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં નહીં આવે, કેમ કે બિહાર વિશેષ રાજ્યના દરજ્જા માટેના ધારાધોરણોમાં નથી આવતું. કેન્દ્ર સરકારના આ નિર્યણને કારણે રાજકારણ ગરમાયું છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે નિતિશ કુમારનું મુખ્યમંત્રીપદેથી રાજીનામુ માગ્યું છે.
સોમવારે લોકસભામાં બજેટ સત્રના પ્રથમ દિવસે બિહારને વિશેષ રાજ્યના દરજ્જા અંગે જદ(યુ)ના સાંસદ રામપ્રીત મંડલ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં રાજ્ય કક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ કેટલાક રાજ્યોને નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા વિશેષ રાજ્યનો દરજ્જો આપવાને મંજૂરી અપાઇ હતી. અને આ વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે રાજ્યની કેટલીક સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. બિહારની એવી સ્થિતિ નથી કે તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય. ૨૦૧૨માં ઇન્ટર મિનિસ્ટરિયલ ગુ્રપ (આઇએમજી)એ પણ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને બિહારને આ દરજ્જો આપવાનું સમર્થન નહોતુ કર્યું.
કેન્દ્ર સરકારના આ જવાબ બાદ રાજકારણ ગરમાયું છે. કેમ કે હજુ એક દિવસ પહેલા જ સર્વ પક્ષીય બેઠકમાં જ જદ(યુ)એ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી રાખી હતી. અગાઉ એવા પણ અહેવાલો હતા કે એનડીએ સરકારમાં સામેલ થવા માટે નિતિશ કુમારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની શરત પણ મુકી હતી. જોકે તેમણે નિરાશ થવુ પડયું છે. દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે નિતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા, લાલુએ જણાવ્યું હતું કે નિતિશ કુમારે બિહારની જનતાને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાના વચનો આપ્યા હતા, તેઓ લોકો સમક્ષ જુઠ બોલ્યા છે. હવે તેઓએ નૈતિક રીતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવુ જોઇએ. નિતિશ કુમારે સત્તા માટે બિહારની અપેક્ષાઓ અને આશાઓ સાથે બાંધછોડ કરી છે.
પીટીઆઇ સાથે વાતચીતમાં જદ(યુ)ના સાંસદ રામપ્રીત મંડલે કહ્યું હતું કે વિશેષ રાજ્યના દરજ્જાની માગ અંગે મે લોકસભામાં સવાલ મુક્યો હતો, પક્ષના સાંસદ સંજય કુમાર ઝાએ પણ રવિવારે તમામ પક્ષોની બેઠકમાં આ મામલો ઉઠાવ્યો હતો એટલુ જ નહીં એવી પણ માગ કરી હતી કે જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં ના આવે તો વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. વર્ષ ૨૦૧૩થી નિતિશ કુમાર અને અમે વિશેષ રાજ્યના દરજ્જા કે વિશેષ પેકેજ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, જોકે હજુસુધી કોઇ જ સારુ પરિણામ સામે નથી આવ્યું. જ્યારે જદ(યુ)ના અન્ય એક સાંસદ દેવેશચંદ્ર ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર અગાઉના જુના નિયમોને આગળ કરીને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ના પાડી રહી છે, અમારી માગણીઓ પુરી કરવા માટે કેન્દ્ર સરકાર આ નિયમોમાં ફેરફાર પણ કરી શકે તેમ છે.