Get The App

લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ 1 - image


Lateral Entry System: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં લેટરલ એન્ટ્રી વિવાદને લઈને મોટા સમાચાર આવ્યા છે. વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે UPSC અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો છે. એટલે કે હવે સીધી ભરતી નહીં થાય. સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. નોંધનીય છે કે, UPSC દ્વારા લેટરલ એન્ટ્રીથી 45 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. 

કેન્દ્રીય  મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.'

રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો સવાલ 

જ્યારે રાહુલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સંઘ લોક સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવામાં આવી રહી છે. યુપીએસસીએ 17મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના 45 પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં 10 પદ જોઇન્ટ સેક્રેટરી જ્યારે 25 પદ ડાયરેક્ટર, ડે. ડાયરેક્ટરના છે, આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી દ્વારા પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે વિપક્ષ આરોપ લગાવી રહ્યો હતો કે સરકાર હવે અનામત વગર જ સીધી સરકારી ભરતી કરી રહી છે. 

આ પણ વાંચો: Explainer: જાણો લેટરલ એન્ટ્રીનો રાજકીય વિવાદ, શું તેમાં સીધી જ સેક્રેટરી સ્તરનો હોદ્દો અને સત્તા મળી જાય છે?


ભાજપના સાથી પક્ષો હતા નારાજ 

કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવવા લાગ્યા હતા. કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી. જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ જદ(યુ)એ પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો, પક્ષના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પગલુ ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે. આટલું જ નહીં હમ પાર્ટીના નેતા તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ.

લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરો, રાજકીય હોબાળા પછી કેન્દ્રનો UPSCને આદેશ 2 - image


Google NewsGoogle News