28000 કરોડના વિવાદ મામલે કેરળની સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ, કહ્યું- ‘કેન્દ્ર ફંડ આપી રહી નથી’
કેન્દ્ર રૂ.13000 કરોડ આપવા તૈયાર, પરંતુ વધારાના રૂ.15000 કરોડ આપવા તૈયાર નથી : કેરળ સરકારની કોર્ટમાં દલીલ
કેરળ સરકારની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું, પહેલા પરસ્પર એક બેઠક કરી વિવાદ ઉકેલો, પછી સુપ્રીમ કોર્ટમાં ફરી આવો
Kerala Government Pending Fund Case : સુપ્રીમ કોર્ટમાં આજે કેરળ અને કેન્દ્ર સરકાર વચ્ચે 28000 કરોડ રૂપિયાના નાણાકીય વિવાદના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ભારતની અર્થવ્યવસ્થા અંગે કહ્યું કે, હવે વિશ્વભરના લોકો ભારતને ઓળખે છે. ભારત એક મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે આપણે દેશમાંથી બહાર જઈએ, ત્યારે આ બાબત સ્પષ્ટ જોવા મળે છે. ભારતની આર્થિક વૃદ્ધિ તથ્યો અને આંકડાઓ પર આધારિત છે. આપણે તેના પર ગર્વ લેવો જોઈએ.
કેરળ-કેન્દ્ર વચ્ચે નાણાકીય વિવાદનો મામલો
ન્યાયાધીશ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કેરળ અને કેન્દ્રના વરિષ્ઠ અધિકારીઓને પરસ્પર એક બેઠક યોજવા અને વિવાદનો ઉકેલ લાવવા કહ્યું છે. જો બેઠકમાં સમાધાન ન થાય તો ફરી સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું છે. કોર્ટે બંને પક્ષોને એમ પણ કહ્યું કે, કેસ પેન્ડિંગ હોવાથી આ મામલે મીડિયા સાથે વાત ન કરે.
કેરલ સરકારે કેન્દ્ર સામે સુપ્રીમમાં ફરિયાદ કરી
કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બાકી ફંડ આપી રહ્યું નથી. આ કારણે રાજ્ય સરકારને મુશ્કેલી પડી રહી છે. કેરળ સરકારે નાણાકીય વ્યવસ્થા માટે રૂ.13000 કરોડ અને વધારાના રૂ.15000 કરોડ, એટલે કુલ 28000 કરોડની માંગ કરી છે. આ નાણાં વિવિધ ટેક્સ પેટેના છે, જેને કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને ફાળવે છે. કેન્દ્ર સરકાર કેરળને તેની 13000 કરોડ રૂપિયાની બાકી રકમ આપવા તૈયાર છે, પરંતુ વધારાના 15000 કરોડ રૂપિયા આપવા તૈયાર નથી. આ ત્રીજી વખત છે જ્યારે સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને એકબીજા સાથેના મુદ્દાઓ પર ચર્ચા કરવા કહ્યું છે.