Get The App

વર્ષ 2027 પહેલા નહીં થઈ શકે વસ્તી ગણતરી! જાણો શું છે કારણ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
Census


Census Cannot Be Done Before 2027 : વસ્તી ગણતરીની કામગીરી ત્રણ વર્ષથી વિલંબમાં છે, ત્યારે 2027 પહેલા તેની કામગીરી હાથ ધરવી મુશ્કેલ હોવાની લઈને જાણકારી મળી છે. આ દરમિયાન વસ્તી ગણતરી માટે 30 લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. બીજી તરફ, ડેટા એકત્ર કરવા માટે ટેબ એટલે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવાની પ્રક્રિયા પણ હજુ સુધી શરુ કરવામાં આવી નથી. 

વસ્તી ગણતરી કર્મચારીઓની તાલીમ કોવિડ અને ચૂંટણીને લીધે સ્થગિત

2021ની વસ્તી ગણતરીની તૈયારીઓ પર નજર કરીએ તો, માસ્ટર ટ્રેનર્સની તાલીમ ઓક્ટોબર 2019માં જ શરૂ થઈ ગઈ હતી. બાદમાં આ માસ્ટર ટ્રેનર્સની મદદથી 30 લાખ વસ્તીગણતરી કર્મચારીઓને તાલીમ આપવાની હતી, પરંતુ કોવિડ રોગચાળા અને પછી સતત ચૂંટણીઓને કારણે આ કાર્ય સ્થગિત રહી ગયું હતું.

આ પણ વાંચો : તો 2027માં ગુજરાતમાં બે વર્ષ જ ચાલશે સરકાર: વન નેશન-વન ઈલેક્શન માટે રાજ્યોમાં બદલાશે ચૂંટણીની તારીખ

વસ્તી ગણતરી માટે બજેટમાં આટલી રૂપિયા ફાળવાયા હતા

વસ્તી ગણતરી બે તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં 1 એપ્રિલ, 2020થી વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી, જ્યારે બીજા તબક્કા માટે 7મી ફેબ્રુઆરી 2021માં વસ્તી ગણતરી થવાની હતી. બીજી તરફ, 2019-20ના બજેટમાં વસ્તી ગણતરી માટે રૂ.8,754 કરોડ અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) તૈયાર કરવા માટે રૂ.3,941 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

ભારતમાં વસ્તી ગણતરી ક્યારે થશે?

સ્વાભાવિક છે કે, જો 2025-26ના બજેટમાં વસ્તી ગણતરી માટે યોગ્ય બજેટ ફાળવવામાં આવે તો પણ વસ્તી ગણતરીના કર્મચારીઓની તાલીમનો કાર્યક્રમ જુલાઈ 2025 પછી જ શરૂ કરવામાં આવશે. આ પછી, 2026માં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરની વચ્ચે પ્રથમ તબક્કામાં ઘરોની વસ્તી ગણતરી થઈ શકે છે. આમ વસ્તી ગણતરીનું કામ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ કરી શકાશે.

આ પણ વાંચો : શાળા-કૉલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ

અગાઉ પણ આ કારણે વસ્તી ગણતરી થઈ નહોતી

1881થી દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરીમાં વિલંબ થયો હોય તેવું આ પ્રથમ વખત નથી થયું. આ પહેલા 1941માં બીજા વિશ્વયુદ્ધ, 1961માં ચીન સાથેના યુદ્ધ અને 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે પછીથી વસ્તી ગણતરી કરવામાં આવી હતી.


Google NewsGoogle News