ભારત બહાર પણ છે એક ‘અયુધ્યા’, આ સમૃદ્ધ નગરીમાં પણ રામમંદિરને લઈને અનેરો ઉત્સાહ
આગામી 22 જાન્યુઆરીએ શાસ્ત્રો અનુસાર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે
Ram Mandir Celebration in Thailand: જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ શાસ્ત્રો અનુસાર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેને લઇને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં વસતાં ભારતીયો અને રામભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર દક્ષિણ પૂર્વના એશિયન દેશ થાઇલેન્ડની 'અયુધ્યા' માં પણ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
'અયુધ્યા' થી અયોધ્યા આવી હતી અમૂલ્ય વસ્તુઓ!
ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડની 'અયુધ્યા' થી માટી અને ત્યાંની ત્રણ નદીઓનું પાણી અયોધ્યા લવાયું હતું. જેમ આપણે ત્યાં અયોધ્યા છે ત્યાં થાઈલેન્ડમાં 'અયુધ્યા' છે. અહીં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે ભૌગોલિક રીતે થાઈલેન્ડ ભારતની જમીનથી દૂર હોય પણ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને રામાયણની ગાથા આજે પણ વિદ્યમાન છે.
બંને શહેરો વચ્ચે 3000 કિ.મી.નું અંતર
ભારતમાં અયોધ્યા અને થાઈલેન્ડમાં 'અયુધ્યા'... બંનેના ફક્ત નામ જ મેળ નથી ખાતા પણ ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા મામલે પણ બંને સમાન છે. બંને શહેરો વચ્ચે અંતર ભલે 3000 કિલોમીટરનું હોય પણ આસ્થા અને વિશ્વાસ સમાન છે.
'અયુધ્યા' નામ કેવી રીતે રખાયું?
અહેવાલો અનુસાર વિશ્વ હિન્દુ સંઘના સંસ્થાપક અને વૈશ્વિક અધ્યક્ષ સ્વામી વિજ્ઞાનંદે કહ્યું કે અયુધ્યાનું નામ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાથી જ પડ્યું છે જે હિન્દુ ધર્મ અને રામાયણ સાથે સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું કે 'અયુધ્યા'ના પ્રથમ શાસક રાજા રામથિબોડીએ ક્ષેત્રની સંસ્કૃતિ પર રામાયણના પ્રભાવને લીધે જ આ નામ રાખ્યું હતું.
બેંગકોકમાં પણ બતાવાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
બેંગકોકમાં વિશ્વ હિન્દુ પરિષદ(VHP) ના એક સભ્યના જણાવ્યા અનુસાર અયુધ્યા અને થાઈલેન્ડના અન્ય શહેરોમાં સ્થિત હિન્દુ મંદિરોની બહાર વિશાળ સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 22 જાન્યુઆરીએ અહીં પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવશે અને લોકો દિવસ દરમિયાન ભજન ગાઈને રામની સ્તુતિ કરશે. ભક્તોમાં પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે.