શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી
CBSE Board Exam Attendance Rule: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ફરી એકવાર વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી છે કે, જે લોકો નિયમિત ક્લાસમાં આવી રહ્યા નથી. તેઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સાથે ડમી સ્કૂલ પ્રણાલીને પ્રોત્સાહન આપતી શાળાઓ વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી છે.
સીબીએસઈએ નિયમિત શાળાઓમાં અભ્યાસ ન કરતાં વિદ્યાર્થીઓને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવવાની જવાબદારી વિદ્યાર્થી તથા તેમના માતા-પિતાની રહેશે.
બોર્ડ પરીક્ષા આપી શકશે નહીં
સીબીએસઈ પોતાની પરીક્ષા નિયમાવલીમાં સંશોધન કરવા પર વિચારણા કરી રહ્યું છે. નવા નિયમો અનુસાર, ડમી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં. આવા વિદ્યાર્થીઓએ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના માધ્યમથી પરીક્ષા આપવાની રહેશે. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી શાળામાં ગેરહાજર જોવા મળ્યો અથવા તો ક્લાસમાં નિયમિત હાજરી નહીં હોય તો તે બોર્ડ પરીક્ષા આપી શકશે નહીં. બોર્ડ પરીક્ષા માટે ઓછામાં ઓછી 75 ટકા હાજરી જરૂરી રહેશે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ
માત્ર 25 ટકા ગેરહાજરી જ લઈ શકાશે
સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ફરમાન બહાર પાડ્યું છે કે, તેઓ મેડિકલ ઈમરજન્સી, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવા પર અથવા અન્ય ગંભીર પરિસ્થિતિઓમાં વર્ષ દરમિયાન માત્ર 25 ટકા ગેરહાજર રહી શકશે. તેનાથી વધુ દિવસ ગેરહાજર રહેવા પર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
ડમી સ્કૂલમાં પ્રવેશ વધ્યો
ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતાં હોવાથી ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. જેથી તેઓ સંપૂર્ણપણે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમજ અમુક વિદ્યાર્થીઓ રાજ્ય ક્વોટાનો લાભ મેળવવા માટે ડમી સ્કૂલમાં એડમિશન લેતાં હોય છે. જેમ કે, દિલ્હીની મેડિકલ કોલેજમાં દિલ્હી રાજ્ય ક્વોટા મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓ દિલ્હીની ડમી સ્કૂલમાં એડમિશન લે છે. આ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવા પૂરતાં જ શાળામાં આવે છે. તે સિવાય તેઓ ગેરહાજર રહે છે. જેથી સીબીએસઈએ આ ચિંતાને ધ્યાનમાં લેતાં નવુ ફરમાન બહાર પાડ્યું છે.