બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયાના દાવા બાદ CBSEનો જવાબ- અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશું
CBSE Board Exam: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સોમવારે (17મી ફેબ્રુઆરી) ચાલુ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓમાં પેપર લીક થવાના આરોપોને નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તેમને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે, 'વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
CBSE બોર્ડની પરીક્ષાઓ શનિવારથી શરુ થઈ હતી, જેમાં દેશ અને વિદેશમાં 7,800થી વધુ કેન્દ્રો પર 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધોરણ 10ના કુલ 24.12 લાખ વિદ્યાર્થીઓ 84 વિષયોમાં પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12ના 17.88 લાખથી વધુ વિદ્યાર્થીઓ 120 વિષયોમાં પરીક્ષા આપી રહ્યા છે.
'અફવાઓ ફેલાવવામાં આવી રહી છે'
CBSEએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'બોર્ડના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક અસામાજિક તત્ત્વો યુટ્યુબ, ફેસબુક, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2025ની પરીક્ષાના પેપર લીક થવાની અફવાઓ ફેલાવી રહ્યા છે અથવા પ્રશ્નપત્રો સુધી પહોંચવાનો દાવો કરી રહ્યા છે. આ દાવાઓ પાયાવિહોણા છે અને બિનજરૂરી અફવાઓ અને ડર ફેલાવનારા છે.'
આ પણ વાંચો: અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા
અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
CBSE બોર્ડે ખાતરી આપી હતી કે પરીક્ષા પ્રક્રિયા સરળ અને ન્યાયી રહે તે માટે તેણે કડક પગલાં અમલમાં મૂક્યા છે. આવી ખોટી માહિતીમાં સામેલ લોકોને ચેતવણી પણ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, 'આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ CBSEના અન્યાયી માધ્યમ નિયમો અને ભારતીય દંડ સંહિતા(IPC)ની સંબંધિત કલમો હેઠળ પરિણામો માટે જવાબદાર રહેશે.'