ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓના હિતમાં CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને આપ્યા આ આદેશ
CBSE : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તમામ સંલગ્ન શાળાઓમાં 'કમ્પોઝિટ સ્કીલ લેબ' સ્થાપિત કરવા સૂચનાઓ આપી છે. જેથી નેશનલ કરીકુલમ ફ્રેમવર્ક કાર સ્કૂલ એજ્યુકેશન (NCF-SE) અનુસાર સ્કીલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપી શકાય. બધી શાળાઓને 6 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે 600 ચોરસ ફૂટની એક સ્કીલ એજ્યુકેશન લેબ અથવા 400 ચોરસ ફૂટની બે અલગ-અલગ લેબ સ્થાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ત્રણ વર્ષમાં લેબ સ્થાપિત કરવાની રહેશે
CBSE સિટી કોઓર્ડિનેટર રામાનંદ ચૌહાણે જણાવ્યું હતું કે, 'આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે CBSE સાથે જોડાણ ઇચ્છતી શાળાઓએ 'કમ્પોઝિટ સ્કીલ લેબ' સ્થાપિત કરવી ફરજિયાત છે. જે શાળાઓ પહેલાથી જ સંલગ્ન છે તેમણે ત્રણ વર્ષમાં આ લેબ સ્થાપિત કરવાની રહેશે. વ્યવહારુ શિક્ષણ અને સ્કીલ ડેવલપમેન્ટ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે સુસજ્જ સ્કીલ ડેવલોપમેન્ટ લેબોરેટરી અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોની સ્થાપના મહત્ત્વપૂર્ણ છે.'
રોજગારી અને ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર લેબોરેટરી
આદેશ અનુસાર, કમ્પોઝિટ સ્કીલ લેબની સ્થાપના શાળાઓને ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર વ્યવહારુ તાલીમ પૂરી પાડશે. આનાથી વિવિધ વ્યવસાયોમાં વિદ્યાર્થીઓની રોજગારીની સંભાવનાઓ સુધારવામાં મદદ મળશે, જેથી તેઓ પરંપરાગત માર્ગોથી આગળ વધીને વિવિધ કારકિર્દીના માર્ગો શોધી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ ઉદ્યોગસાહસિક કૌશલ્ય પણ વિકસાવી શકશે.