CBSE બોર્ડનો પ્લાન, જુદા-જુદા વિષયમાં બે પરીક્ષા પેટર્ન લાગુ કરવા વિચાર, ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ
CBSE may impliment two exam pattern system : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડની શૈક્ષણિક શાખા આગામી વર્ષોમાં વિવિધ વિષયો માટે બે સ્તરની પરીક્ષા લેવા પર કામ કરી રહી છે. આ પગલું નેશનલ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 હેઠળ લેવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને ક્ષમતા અનુસાર વિવિધ વિષયોમાં બે સ્તરમાં પરીક્ષા પેટર્નની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
શું ફેરફાર કરશે CBSE?
પહેલેથી જ આ પેટર્ન હાલમાં ગણિત વિષય માટે લાગુ કરવામાં આવી છે. જે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો ભાગ છે. CBSEના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, આ મુદ્દા અંગે પહેલાથી જ ઘણાં રાઉન્ડની બેઠકો થઈ ચૂકી છે. જેમાં યોજનાની વિગતવાર તપાસ કરવામાં આવી છે. આ હેઠળ વિદ્યાર્થીઓ તેમની ક્ષમતા અનુસાર પરીક્ષાનું મુશ્કેલ સ્તર પસંદ કરી શકશે. જેથી કરીને તેમની ક્ષમતા અને સમજને વધુ સારી રીતે માપી શકાય.
વિદ્યાર્થીઓની ક્ષમતાના આધારે પરીક્ષા લેવાશે!
હવે CBSE વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા અન્ય મહત્ત્વપૂર્ણ વિષયોમાં આ પેટર્ન લાગુ કરવાની યોજના બનાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના ક્ષેત્રોમાં વધુ સારી તકો મળી શકે અને તેમની ક્ષમતા અનુસાર પરીક્ષામાં ભાગ લઈ શકે. જો કે, આ પ્રસ્તાવ હજુ સુધી બોર્ડની ગવર્નિંગ બોડી પાસે ગયો નથી. સર્વોચ્ચ સંસ્થાની મંજૂરી મળ્યા પછી જ તેનો અમલ કરી શકાશે. આ પછી નવી સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓને તેમના માટે યોગ્ય મુશ્કેલીઓના સ્તરના આધારે પરીક્ષા આપવાની તક મળશે.
પેટર્ન લાગુ કરવા માટે અભ્યાસક્રમમાં પણ બદલાવ
આ પ્રસ્તાવને લાગુ થવા માટે વધુ એક પડકારનો સામનો કરવો પડી શકે છે. પરીક્ષા બે સ્તરમાં લેવાની હોવાથી અભ્યાસક્રમમાં પણ બદલાવ કરવો પડશે. આ કામ નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (NCERT) કરશે. NCERT શૈક્ષણિક અભ્યાસક્રમ અને પુસ્તકો તૈયાર કરે છે. હવે NCERT એ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવા પડશે.