સંદેશખલીમાં બળાત્કાર, જમીન પચાવી પાડવાના કેસની સીબીઆઈ તપાસ કરશે
- કલકત્તા હાઈકોર્ટનો મમતા સરકારને ફટકો
- રાશન કૌભાંડની તપાસ કરતી ઈડી ટીમ પર હુમલાની તપાસ હાઈકોર્ટના નિરિક્ષણ હેઠળ ચલાવવા નિર્દેશ
કોલકાતા : કલકત્તા હાઈકોર્ટે સંદેશખલીમાં મહિલાઓ પર બળાત્કાર અને ખેડૂતોની જમીન પચાવી પાડવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના સંદેશખલીમાં બળજબરીથી વસૂલાત, જમીનો પચાવી પાડવા અને મહિલાઓ પર અત્યાચારના આરોપોની તપાસ સીબીઆઈ દ્વારા કરાવાશે. સંદેશખલીમાં ૫ જાન્યુઆરીએ ઈડીના અધિકારીઓ પર હુમલાની તપાસ હવે કોર્ટના નિરિક્ષણ હેઠળ થશે.
કલક્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમના અધ્યક્ષપદે ડિવિઝન બેન્ચે સીબીઆઈને મહેસૂલના રેકોર્ડ્સ અને જમીનોની પ્રત્યક્ષ તપાસ કર્યા પછી મત્સ્ય પાલન માટે જળાશયમાં ફેરવી નાંખવામાં આવેલી કૃષિ જમીનોના ગેરકાયદે રૂપાંતરણ અંગે વ્યાપક અહેવાલ તૈયાર કરવા નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટે સીબીઆઈને સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ કરવા અને આગામી સુનાવણી સુધીમાં વ્યાપક અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. ન્યાયાધીશ હિરણમય ભટ્ટાચાર્યને સમાવતી બેન્ચે આ કેસની આગામી સુનાવણી બે મેના રોજ નિશ્ચિત કરી હતી. ઈડીના અધિકારીઓ રાશન કૌભાંડ કેસના સંદર્ભમાં પાંચ જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસના તત્કાલિન નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા સંદેશખલી ગયા ત્યારે એક ટોળાએ તેમના પર હુમલો કર્યા પછી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
હાઈકોર્ટે ગયા સપ્તાહે બંગાળમાં તૃણમૂલ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, સંદેશખલી કેસની જટિલતાને જોતા તેમાં કોઈ આશંકા નથી કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બેન્ચે રાજ્ય સરકારને તપાસ એજન્સીને જરૂરી તમામ સહયોગ પૂરો પાડવા નિર્દેશ આપ્યા હતા. અરજદારોના વકીલ પ્રિયંકા ટિબરેવાલાએ કોર્ટ સમક્ષ કહ્યું કે, સોગંદનામા સ્વરૂપે કોર્ટ સમક્ષ ૬૦૦ જેટલી ફરિયાદો કરાઈ છે, જેમાં કથિત રીતે જાતીય અત્યાચાર, જમીનો પચાવી પાડવી અને મારામારી-મિલકતો તોડી નાંખવી જેવા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે.