છત્તીસગઢ સરકારે મહાદેવ બેટિંગ એપની તપાસ CBIને સોંપી, આ મોટા નેતાઓની મુશ્કેલીઓ વધશે!
Mahadev Betting App Scam: મહાદેવ સટ્ટાબાજી એપ મામલે છત્તીસગઢ સરકારે મોટું પગલું ભર્યું છે. જેમાં સોમવારે (26 ઓગસ્ટ 2024) ના રોજ છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું હતું કે, ' રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં કથિત મહાદેવ કૌભાંડ સંબંધિત 70 કેસ નોંધાયા છે અને એક કેસ EOWમાં નોંધવામાં આવ્યો છે. અમે આ તમામ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે અને આ સંદર્ભે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે.'
તમામ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે - નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, 'આ મુદ્દો માત્ર એક રાજ્યના બદલે અનેક રાજ્યોનો મામલો બની ગયો છે. એવું કહેવાય છે કે કેટલાક આરોપીઓ વિદેશમાં પણ રહે છે. મામલાની ગંભીરતાને જોતા હવે સીબીઆઈ આ મામલાની તપાસ કરશે. આ મામલે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જેઓ વિદેશમાં છે તેમને પરત લાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.'
આ પણ વાંચો: Rain In India: દેશભરમાં આકાશી આફત! પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરનું અલર્ટ
FIRમાં આ મોટા નામો સામેલ
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્તીસગઢના ગૃહ વિભાગે 22 ઓગસ્ટે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ એક વર્ષથી વધુ સમયથી મહાદેવ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે. તેમજ રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યા પછી, EOW એ ED દ્વારા સબમિટ કરેલા અહેવાલના આધારે માર્ચમાં FIR નોંધવામાં આવી હતી. જેમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલ, એપ પ્રમોટર્સ રવિ ઉપ્પલ, સૌરભ ચંદ્રાકર, શુભમ સોની અને અનિલ કુમાર અગ્રવાલ અને અન્ય 14ના નામ સામેલ છે.
EDએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે. આ એપ દ્વારા અંદાજે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું હતું.
મહાદેવ સટ્ટાબાજીની એપ શું હતી?
મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવેલી એપ હતી. આના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતોમાં અને ચૂંટણીમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને સૌથી વધુ ખાતા છત્તીસગઢમાં ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.