કોલકાતા કાંડ: ‘ઉતાવળમાં સળગાવાયો મૃતદેહ, ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી પણ ન કરી’ CBIનો પોલીસ પર આક્ષેપ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
કોલકાતા કાંડ: ‘ઉતાવળમાં સળગાવાયો મૃતદેહ, ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી પણ ન કરી’ CBIનો પોલીસ પર આક્ષેપ 1 - image


Kolkata Rape and Murder Case: કોલકાતાની આર જી કર હૉસ્પિટલમાં એક ટ્રેઇની મહિલા ડૉક્ટર સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા મામલે CBIએ કોલકાતા પોલીસ પર મોટા આરોપ લગાવ્યો છે. CBIના આરોપ પ્રમાણે કોલકાતા પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો અને 31 વર્ષીય મહિલા ડૉક્ટરના મૃતદેહનો ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવી દીધો.

તાલા પોલીસ સ્ટેશનના એસએચઓ મંડલની એજન્સીએ શનિવારે આર જી કર હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સાથે ધરપકડ કરી હતી. આ વચ્ચે મમતા બેનર્જીએ ફરી એક વખત આજે ​​સાંજે 5:00 વાગ્યે જુનિયર ડૉક્ટરોને વાતચીત કરવા માટે પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા છે. આજે સાંજે 5 કલાકે બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડૉકટરો મીટીંગમાં જશે કે નહીં તે હજુ નક્કી નથી થયું. 

મંડલ પર ગંભીર આરોપ

CBI અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, મંડલને 9 ઑગસ્ટના રોજ સવારે 10:03 વાગ્યે આર જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ પાસેથી ઘટના વિશે જાણકારી મળી હતી પરંતુ તે તાત્કાલિક ઘટનાસ્થળે નહોતા પહોંચ્યા. તાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી હોવા છતાં તેઓ સવારે 11:00 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા.

અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પોલીસ રૅકોર્ડમાં મંડલની જનરલ ડાયરીની નોંધણીમાં ખોટી માહિતી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડૉક્ટરનો મૃતદેહ ચેસ્ટ મેડિસિનના સેમિનાર રૂમમાં બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. જ્યારે હકીકત એ હતી કે, જેમણે શરીરની તપાસ કરી હતી તેમણે પીડિતાને પહેલેથી જ મૃત જાહેર કરી દીધી હતી. CBIને શંકા છે કે મંડલે હૉસ્પિટલના અધિકારીઓ અને અન્ય અજાણ્યા લોકો સાથે મળીને કાવતરા હેઠળ જાણી જોઈને ડાયરી એન્ટ્રીમાં ખોટા તથ્યો નોંધ્યા હતા.

ઉતાવળમાં મૃતદેહના અંતિમ સંસ્કારની મંજૂરી

એજન્સીએ એ પણ આરોપ લગાવ્યો કે મંડલ ક્રાઇમ સીનને સુરક્ષિત રાખવામાં અને સુરક્ષા કરવા માટે કોર્ડન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે અનધિકૃત લોકોને ક્રાઇમ સ્પોટ સુધી પહોંચવાની અને મહત્ત્વપૂર્ણ પુરાવાઓને નુકસાન પહોંચાડવાની તક મળી. CBI તપાસમાં સામે આવ્યું છે કે, કોલકાતા પોલીસે FIR નોંધવામાં 14 કલાકનો વિલંબ કર્યો હતો.

મંડલ પર બંગાળ નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ(BNSS)ની જોગવાઈઓ હેઠળ ક્રાઇમ સીન પાસેથી વસ્તુઓને હટાવવા, જૈવિક નમૂનાઓને સીલ કરવા વગેરેની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પરિવારના સભ્યોની બીજી વખત મૃતદેહ પરીક્ષણની માગણી છતાં મંડલે સોમવારે ઉતાવળમાં અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી.

કાવતરું ઘડાયું

CBI તપાસમાં કોલકાતા પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં થયેલી ચૂક પણ સામે આવી છે. 10 ઑગષ્ટના રોજ ક્રાઇમમાં ભૂમિકા સામે આવ્યા છતાં આરોપી સંજય રોયના કપડાં અને સામાન જપ્ત કરવામાં બે દિવસનો બિનજરૂરી વિલંબ કરવા માટે મંડલને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. CBIને શંકા છે કે, તપાસની દિશાને ભટકાવવાના ઇરાદાથી સંજય રોય અને અન્ય અજ્ઞાત આરોપીઓની તપાસ કરવા માટે અન્ય સંભવિત આરોપીઓ સાથે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News