કરોડોની છેતરપિંડીના કેસમાં CBIની મોટી કાર્યવાહી, આ બેંકના ચાર કર્મચારી સામે કેસ નોંધ્યો
Bank Fraud Case : કેન્દ્રીય તપાસ એજન્સી - CBIએ કરોડોની બેંક છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ બેંકના પૂર્વ સહાયક મેનેજરો સહિત ચાર લોકો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ આ મામલે આરોપીઓના નિવાસસ્થાને દરોડો પણ પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નિવાસસ્થાને દરોડા પડાયા
સીબીઆઈના પ્રવક્તાએ આજે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ‘બેંકમાં કરોડોની છેતરપિંડીના આરોપમાં ગ્રામીણ વિકાસ બેંક (આસામ)ના ત્રણ પૂર્વ સહાયક મેનેજરો સહિત ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીઓના નિવાસસ્થાને દરોડાઓ પણ પાડવામાં આવ્યા છે. આરોપીઓ સામે બેંકને 8.28 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આક્ષેર કરાયો છે. હાલ અમારી ટીમ વધુ તપાસ કરી રહી છે.’
આરોપીઓએ નકલી એકાઉન્ટમાં રકમ જમા કરાવી
સીબીઆઈએ જણાવ્યું કે, આરોપીઓએ બેઈમાની અને છેતરપિંડી કરી નકલી સ્વસહાય જૂથના બેંક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી. ત્યારબાદ આરોપીઓમાંથી એક સહાયક મેનેજરે તે ખાતાઓમાં પડેલી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સપર કરી હતી. આમ આરોપીઓએ બેંકને કથિત રીતે 8,28,42,900 રૂપિયાનું નુકસાન પહોંચાડી છેતરપિંડી આચરી છે.
સીબીઆઈએ આરોપીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા
સીબીઆઈએ આસામ (Assam)ના જોરહાટમાં આવેલી માધાપુ શાખાની ગ્રામીણ વિકાસ બેંકના ત્રણ પૂર્વ સહાયક મેનેજર સહિત ચાર આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે. આરોપીઓમાં સહાયક મેનેજર પ્રશાંત બોરા, પ્રિયંશુ પલ્લભ ગોગોઈ, સોહન દત્તા અને પૂર્વ કાર્યાલય મેનેજર સત્યજીત ચાલિહાનો સમાવેશ થાય છે. સીબીઆઈએ આ કેસમાં આસામના જોરહાટ, તિનસુકિયા અને ડિબ્રુગઢમાં આરોપીઓના નિવાસસ્થાન અને સત્તાવાર પરિસર તેમજ પશ્ચિમ બંગાળ (West Bengal)માં એક નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, જ્યાંથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.