TMC નેતા મહુઆ મોઈત્રાના ઠેકાણા પર CBIના દરોડા, કેશ ફોર ક્વેરી મામલે વધી મુશ્કેલી
- કેશ ફોર ક્વેરી કેસમાં TMC નેતા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે
Image Source: Twitter
કોલકાતા, તા. 23 માર્ચ 2024, શનિવાર
Mahua Moitra cash for query case: TMC નેતા મહુઆ મોઈત્રાની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. આજે CBIએ મહુઆના નિવાસસ્થાન સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. કેશ ફોર ક્વેરી કેસમાં TMC નેતા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
CBI આ મામલે TMC નેતાના કોલકાતા સ્થિત આવાસ અને અન્ય ઠેકાણા પર સર્ચ કરી રહી છે. CBIએ તાજેતરમાં જ કેશ ફોર ક્વેરી મામલે FIR નોંધી હતી. CBIએ લોકપાલના આદેશ પર આ FIR નોંધી હતી. દિલ્હીથી CBIની એક ટીમ મહુઆના પિતાના દક્ષિણ કોલકાતાના અલીપુર વિસ્તારમાં સ્થિત ફ્લેટ પર પહોંચી છે. લોકપાલે CBIને મહુઆ મોઈત્રા વિરુદ્ધ 'પૈસા લઈને સવાલ પૂછવાના' કેસમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. લોકપાલે CBIને મહુઆ મોઈત્રા સામે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ લોકપાલે તપાસ એજન્સીને છ મહિનામાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહ્યું છે.
શું છે Cash for Query કેસ?
TMC નેતા મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તપાસ બાદ એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપ્યો હતો. આ સમગ્ર મામલાની શરૂઆત બીજેપી સાંસદ નિશિકાંત દુબેના આરોપોથી થઈ હતી. નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર સંસદમાં સવાલ પૂછવા માટે રિયલ એસ્ટેટ બિઝનેસમેન હિરાનંદાની પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. નિશિકાંત દુબેએ આ આરોપો મહુઆના પૂર્વ મિત્ર જય અનંત દેહાદ્રઈની ફરિયાદના આધારે લગાવ્યા હતા. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ કરી દેવામાં આવ્યુ હતું.
લોકસભા અધ્યક્ષે કરી હતી કમિટીનું રચના
નિશિકાંતની ફરિયાદ પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક કમિટીની રચના કરી હતી. નિશિકાંત દુબેએ ઓમ બિરલાને લખેલા પત્રમાં ગંભીર 'વિશેષાધિકારનું ઉલ્લંઘન' અને 'ગૃહની અવમાનના'નો મામલો ગણાવ્યો હતો. કમિટીએ મહુઆ મોઈત્રા, નિશિકાંત દુબે સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા હતા. વિનોદ કુમાર સોનકરની આગેવાની હેઠળની કમિટીએ 9 નવેમ્બરના રોજ મળેલી એક બેઠકમાં 'કેશ ફોર ક્વેરી'ના આરોપો પર મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્યપદ રદ કરવાની ભલામણ કરતો રિપોર્ટ તૈયાર કર્યો હતો. કમિટીના છ સભ્યોએ રિપોર્ટના પક્ષમાં મતદાન કર્યું હતુ અને ડિસેમ્બર 2023માં તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યુ હતું.