ડબલ એન્જિન સરકાર છતાં ભાજપ શાસિત આ રાજ્યમાં CBI-EDની ડાયરેક્ટ એન્ટ્રી પર બ્રેક, લોકોમાં અચરજ
CBI will require written consent to probe state officials: મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાની હેઠળની મધ્યપ્રદેશની ભાજપ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અધિકારીઓ સામે કોઈપણ તપાસ શરૂ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની લેખિત પરવાનગીની જરૂર પડશે.
રાજ્યમાં મોહન યાદવ અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર છે. તેમ છતાં આવો નિર્ણય આશ્ચર્યજનક છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના આ નિર્ણય પાછળના કારણને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. આ પહેલા પણ વિપક્ષના ઘણા રાજ્યોમાં આવા પગલા લેવામાં આવ્યા છે.
સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી
ગૃહ વિભાગના સચિવ ગૌરવ રાજપૂતે આ અંગે માહિતી આપી છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946ની કલમ 6 મુજબ, સીબીઆઈને તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારોની સંમતિ જરૂરી છે. એટલે કે હવે સીબીઆઈને મધ્યપ્રદેશમાં કોઈપણ ખાનગી વ્યક્તિ, સરકારી અધિકારીઓ અથવા અન્ય સંસ્થાઓની તપાસ કરતા પહેલા રાજ્ય સરકારની લેખિત પરવાનગી લેવી પડશે.
મધ્યપ્રદેશના ગૃહ વિભાગે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ આ નવી સિસ્ટમ 1 જુલાઈથી અમલી માનવામાં આવશે. જો કે, આ અંગેનું નોટિફિકેશન 16 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં પણ સીબીઆઈની મંજૂરીનો નિયમ
મધ્યપ્રદેશ પહેલા પણ અન્ય ઘણા રાજ્યો આવી સિસ્ટમ લાગુ કરી છે. જેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, ઝારખંડ, કેરળ અને તેલંગાણા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જો કે આમાં મોટાભાગના રાજ્યોમાં વિપક્ષની સરકાર છે. લોકસભા ચૂંટણી વખતે પણ વિપક્ષે આને મુદ્દો બનાવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા બંધારણની કલમ 131 હેઠળ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે સીબીઆઈ તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે.