કોલકાતા દુષ્કર્મ કેસ: પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ CBIનો કેસ, સાત લોકોનો થયો પૉલિગ્રાફ ટેસ્ટ
Kolkata Rape-Murder Case: કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કેસમાં હાલ CBI તપાસ કરી રહી છે. મુખ્ય આરોપીથી લઇને પૂર્વ પ્રિન્સિપાલની કલાકો સુધી પુછપરછ કર્યા બાદ હવે સાત લોકોના પૉલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ માટે દિલ્હીથી એક વિશેષ સીએફએસએલ (CFSL) ટીમ કોલકાતા આવી હતી. પૉલિગ્રાફ ટેસ્ટ કરાયેલા લોકોમાં મુખ્ય આરોપી સંજય રોય, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ઘટના સમયે ફરજ પર હાજર ચાર જૂનિયર ડોક્ટર અને એક વોલેન્ટિયર સામેલ છે.
મુખ્ય આરોપીનો પૉલિગ્રાફ ટેસ્ટ જેલમાં લેવાયો
મુખ્ય આરોપી સંજય રોયનો પૉલિગ્રાફ ટેસ્ટ જેલમાં જ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય છ લોકોના ટેસ્ટ સીબીઆઇ ઓફિસમાં કરવામાં આવ્યા હતા. સંજય આ ઘટનાનો મુખ્ય આરોપી છે. તેણે આ ઘટનાને ક્યારે અને કઇ રીતે અંજામ આપ્યો, તેની સાથે અન્ય કોઇ સામેલ હતો આવા અન્ય ઘણાં પ્રશ્નોનો જવાબ મેળવવા માટે તેનો પૉલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
પૂર્વ પ્રિન્સિપાલની મુશ્કેલીઓ વધી
પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ તેના વર્તન અને નિર્ણયોના કારણે શરૂઆતથી જ શંકાના ઘેરામાં છે. સતત નવમાં દિવસે પણ તેનાથી પુછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી તેનાથી 100 કલાકથી પણ વધુ સમય જેટલી પુછપરછ કરવામાં આવી છે. સંદીપ સામે ત્રણ સવાલો મહત્ત્વના છે. તેને ક્યારે અને કઇ રીતે આ અંગે જાણ થઇ હતી, ફરિયાદ નોંધાવવામાં કેમ મોડું થયું અને પુરાવા સાચવવામાં બેદરકારી કેમ દાખવવામાં આવી. સીબીઆઇ એ તેની સામે ભ્રષ્ટાચાર અંગે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
શું હોય છે પૉલિગ્રાફ ટેસ્ટ?
ઘણી વાર આરોપી પાસેથી સત્ય જાણવા માટે પોલીસ પૉલિગ્રાફ ટેસ્ટ કરાવે છે, જેમાં લાઇ ડિટેક્ટર મશીન (જૂઠ પકડનારી મશીન)ના ઉપયોગથી જૂઠ પકડવામાં આવે છે. આ ટેસ્ટમાં આરોપીના શરીરમાં જવાબ આપતી વખતે થતાં ફેરફારના કારણે જાણવામાં આવે છે કે આરોપી સાચું બોલે છે કે જૂઠું. આ ટેસ્ટમાં આરોપીના શારીરિક ગતિવિધિઓનો ખૂબ જ ઉંડાણમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર બાદ આરોપીના રિએક્શન મુજબ સાચું કે ખોટું નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ડોક્ટર પર રેપ-હત્યાનો આરોપી સંજય 'પાશ્વી' વૃત્તિવાળો, કૃત્યનો જરા પણ પસ્તાવો નથી
મશીન કઇ રીતે કામ કરે છે?
આ મશીનના ઘણાં યુનિટ્સ હોય છે. જેમાં કેટલાક યુનિટ્સને આરોપીના માથા, આંગળીઓ અને મોઢા સાથે જોડવામાં આવે છે. જ્યારે આરોપી કોઇ જવાબ આપે છે તો આ યુનિટ્સમાંથી ડેટા મળે છે. શરીર સાથે જોડવામાં આવતાં યુનિટ્સમાં ન્યૂમોગ્રાફ, કાર્ડિયોવાસ્ક્યુલર રિકોર્ડર અને ગેલ્વેનોમીટર હોય છે. આ સાથે આરોપીના હાથમાં પલ્સ કફ અને આંગળીઓમાં લોમબ્રોસો ગ્લવ્સ બાંધવામાં આવે છે. મશીનના ઉપયોગથી આરોપીનું બ્લડ પ્રેશર, ધબકારાનાં રેટ અને અન્ય બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આરોપી જ્યારે જવાબ આપે છે ત્યારે તેના હૃદયના ધબકારા, તેની શ્વાસ અને બલ્ડ પ્રેશરના માધ્યમથી સાચું કે ખોટું જાણી શકાય છે.