'લોકપાલે મહુઆ મોઈત્રા વિરૂદ્ધ CBI તપાસનો આપ્યો આદેશ', નિશિકાંત દૂબેનો દાવો, TMC સાંસદે કર્યો કટાક્ષ
મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપો ભ્રષ્ટાચારનો મામલો : નિશિકાંત દૂબે
Cash For Query Row : સાંસદ મહુઆ મોઇત્રા સામે પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપ મામલે હવે CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે ભાજપના નેતા નિશિકાંત દુબે દાવો કર્યું છે કે, લોકપાલએ સાંસદ મહુઆ મોઇત્રા વિરુધ CBI તપાસનો આદેશ આપ્યો છે. મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોને ભ્રષ્ટાચારનો મામલો માનવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણ તપાસ કરવા માટે CBIને મામલો સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાની કરી પૂછપરછ
આ મામલામાં સંસદની એથિક્સ કમિટીએ નિશિકાંત દુબે અને મહુઆ મોઇત્રાના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાઈની પૂછપરછ કરી હતી. આ મામલે મહુઆ મોઇત્રાને પૂછપરછ માટે બોલાવ્યા પરંતુ સમિતિમાં તેણીની હાજરી દરમિયાન હંગામો થયો અને તે ત્યાંથી ગયા. આ અંગે મહુઆએ આરોપ લગાવતા કહ્યું કે, મને અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તે રાત્રે કોની સાથે વાત કરે છે. જોકે તેના જવાબમાં નિશિકાંત દુબેએ જણાવ્યું કે, મહુઆ મોઇત્રા ખોટા આરોપો લગાવી રહી છે. જો તેમની વાત સાચી સાબિત થશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લેવા તૈયાર છું.
મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપ
આ મામલે નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે, મારી ફરિયાદના આધારે લોકપાલે મહુઆ મોઇત્રા વિરુદ્ધ CBI તપાસના આદેશ આપ્યો છે. તેમણે ભ્રષ્ટાચાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ ચેડા કર્યા હતા. આ કેસમાં બિઝનેસમેન દર્શન હિરાનંદાનીની કબૂલાત પણ સામે આવી છે. તેણે એફિડેવિટ દ્વારા સ્વીકાર્યું કે, અદાણી વિશે પ્રશ્નો પૂછવા બદલ મહુઆ મોઇત્રાને તેમના વતી રોકડ રકમ અને ભેટો આપવામાં આવતી હતી. એટલું જ નહીં સંસદમાં મહુઆ મોઇત્રાના લોગિન આઈડીને એક્સેસ કરવાની પણ વાત થઈ હતી.