Get The App

નીટ-યુજી પેપર લીક કેસમાં સીબીઆઇ એક્શનમાં : પટણામાંથી બેની ધરપકડ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
નીટ-યુજી પેપર લીક કેસમાં સીબીઆઇ એક્શનમાં : પટણામાંથી બેની ધરપકડ 1 - image


- ઓએમઆર શીટ મળી ન હોવાની અરજી અંગે સુપ્રીમની એનટીએને નોટિસ

- સીબીઆઇએ બંનેને પટણાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા 

- નીટના પ્રશ્રપત્રમાં અભ્યાસક્રમનો બહાર પ્રશ્ર પૂછાયો હોવાની અરજી અંગે દિલ્હી હાઇકોર્ટે એનટીએ પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી : સીબીઆઇએ આજે નીટ-યુજી પેપર લીક કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. સીબીઆઇએ પટણામાંથી બે આરોપીઓ મનીશ કુમાર અને આશુતોષ કુમારની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ બંનેએ મેડિકલ પ્રવેશ પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષા અગાઉ સલામત રહેઠાણ પુરુ પાડયું હતું. આ જ સ્થળે તેમને લીક થયેલા પ્રશ્રપત્રો અને આન્સર કી આપવામાં આવી હતી. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે બંનેને પટણાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જ્યાંથી કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.  સીબીઆઇ હવે તેમની પૂછપરપછ માટે કોર્ટ પાસેથી રિમાન્ડ માંગશે.

આશુતોષ કુમારે પટણામાં એક હોસ્ટેલ ભાડા પર લીધો હતો. આ જ સ્થળેથી બિહાર પોલીસની આર્થિક ગુનાઓની શાખાને નીટ-યુજી અડધું બળેલું પ્રશ્રપત્ર મળી  આવ્યું હતું.

સીબીઆઇને જાણવા મળ્યું હતું કે આશુતોષ કુમારને ખબર હતી કે નીટના ઉમેદવારોને પ્રશ્રપત્રો આપવા માટે આ સ્થળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

મનીશ કુમારે ઉમેદવારો સાથે નાણાની ડીલ કરી હતી. આ ઉમેદવારો એડવાન્સમાં પ્રશ્રપત્ર મળી જાય તો મોટી રકમ ચુકવવા તૈયાર હતાં. ત્યારબાદ તે ઉમેદવારોને આ હોસ્ટેલમાં લઇ આવ્યો હતો. ઉમેદવારો પાંચ મે સુધી હોસ્ટેલમાં રોકાયા હતાં. નીટ પેપર લીક કેસમાં સીબીઆઇએ છ એફઆઇઆર દાખલ કરી છે. 

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે ઓએમઆર શીટ મુદ્દે એનટીએને નોટીસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે એનટીએને પૂછ્યું છે કે ઓએમઆર શીટ અંગે ફરિયાદ દાખલ કરવા અંગે કેટલો સમય નક્કી કરવામાં આવ્યો છે. 

ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને ન્યાયમૂર્તિ એસવીએન ભટ્ટીની વેકેશન ખંડપીઠે એક  ખાનગી કોચિંગ સેન્ટર અને કેટલાક નીટ ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓના સંબધમાં એનટીએને આ નોટીસ જારી કરી હતી. ૮ જુલાઇએ આ અરજીની સુનાવણી હાથ ધરાશે.નીટ અંગેની અન્ય તમામ અરજીઓની સુનાવણી પણ ૮ જુલાઇએ જ કરવામાં આવશે. 

કોચિંગ ઇન્સ્ટીટયૂટ અને ઉમેદવારો વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ મળી નથી.

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટે નીટના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્ર પૂછાયા હોવાની એક વિદ્યાર્થીની અરજીના સંદર્ભમાં એનટીએ પાસે જવાબ માંગ્યો છે. 

વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે પેપરમાં ભૌતિકશાસ્ત્રના વિભાગમાં રેડિયોે એક્ટિવિટી અંગે પ્રશ્ર પૂછાયો છે જ્યારે રેડિયો એકિટવિટીનું પ્રકરણ અભ્યાસક્રમમાં છે જ નહીં. 

આ દરમિયાન નીટ-યુજી પરીક્ષામાં અનિયમિતતા અંગે કેન્દ્રની ટીકા કરતા કોંગ્રેસ નેતા અજયકુમારે દાવો કર્યો છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં ૨૫થી પણ ઓછા કાયમી કર્મચારીઓ છે અને તે બે ડઝનથી પણ વધારે પરીક્ષાઓનું આયોજન કરે છે. 


Google NewsGoogle News