કેશ ફોર ક્વેરી કેસ: CBIએ મહુઆ મોઈત્રા અને દર્શન હિરાનંદાણી સામે ફરિયાદ નોંધી
Cash For Query Case: કેશ ફોર ક્વેરી કેસમાં તૃણમૂલના પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈની ફરિયાદમાં દુબઈના વેપારી અને નિરંજન હિરાનંદાણીના પુત્ર દર્શન હિરાનંદાણીનું નામ સામેલ કર્યું છે. આ એફઆઈઆરમાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાનું નામ પહેલાથી જ સામેલ છે.
આ કલમ હેઠળ ફરિયાદ દાખલ
સીબીઆઈએ 19મી માર્ચે લોકપાલના આદેશ બાદ તૃણમૂલ નેતા મહુઆ મોઈત્રા અને દર્શન હિરાનંદાની અને અન્ય લોકો સામે આઈપીસી કલમ 120-બી(ગુનાહિત કાવતરું) અને પીસી એક્ટ, 1988 (2018માં સુધારો)ની કલમ 7, 8 અને 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લોકસભા આઈડીનો લોગિન-પાસવર્ડ આપવાનો આરોપ
તૃણમૂલના પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા પર આરોપ છે કે, દર્શન હીરાનંદાણીને પોતાનો લોકસભા આઈડીનો લોગિન-પાસવર્ડ આપીને તેમણે અન્ય લાભો લીધા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ છેડછાડ કર્યો છે.
સીબીઆઈએ મહુઆના સ્થળો પર દરોડા પાડ્યા
લોકપાલના 19મી માર્ચના આદેશ પછી સીબીઆઈએ 21મી માર્ચે એફઆઈઆર નોંધી અને શનિવારે મહુઆ મોઈત્રાના બંગાળ સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કેસ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે કર્યા હતા. અહેવાલ અનુસાર, તપાસ એજન્સી કોલકાતા અને અન્ય સ્થળોએ તેના ઘણાં સ્થળો પર દરોડા પાડી રહી છે.
કેશ ફોર ક્વેરી કેસ શું છે?
15મી ઓક્ટોબર 2023માં ઝારખંડના ગોડ્ડામાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલના પૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સવાલ પૂછવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં મહુઆ મોઈત્રા પર એક જૂથ સામે સવાલ પૂછવા માટે દર્શન હિરાનંદાણી પાસેથી પૈસા લેવાનો આરોપ હતો.