ચૂંટણી બોન્ડથી 966 કરોડનું દાન આપનાર કંપની સામે CBIએ 315 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો

એનઆઈએસપી-એનએમડીસીના 8 અધિકારીઓની સંડોવણી કંપનીએ રૂ. 174 કરોડના બિલો માટે 78 લાખની લાંચ આપી

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ચૂંટણી બોન્ડથી 966 કરોડનું દાન આપનાર કંપની સામે CBIએ 315 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો 1 - image


નવી દિલ્હી : કેન્દ્ર સરકારની વિવાદાસ્પદ ચૂંટણી બોન્ડ યોજનામાં સૌથી વધુ દાન આપવામાં બીજા ક્રમે રહેનારી હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ ફરી વિવાદોમાં સપડાઈ છે. સીબીઆઈએ કંપની વિરુદ્ધ રૂ. ૩૧૫ કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો કેસ કર્યો છે. આ સાથે સીબીઆઈએ એનઆઈએસપી અને એનએમડીસીના ૮ અધિકારીઓ તથા મેકોનના બે અધિકારીઓના નામ પણ એફઆઈઆરમાં નોંધ્યા છે. મેઘા એન્જિનિયરિંગે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ મારફત રૂ. ૯૬૬ કરોડનું દાન આપ્યું હતું. 

સીબીઆઈના અધિકારીઓએ શનિવારે કહ્યું કે, જગદલપુર એકીકૃત સ્ટીલ યુનિટ સાથે સંબંધિત કાર્યો માટે મેઘા એન્જિનિયરિંગે રૂ. ૧૭૪ કરોડના બિલો મંજૂર કરાવવા લગભગ રૂ. ૭૮ લાખની કથિત લાંચ આપી હતી. ચૂંટણી પંચે ૨૧ માર્ચે જાહેર કરેલા આંકડા મુજબ મેઘા એન્જિનિયરિંગ ચૂંટણી બોન્ડની બીજા ક્રમની સૌથી મોટી ખરીદાર કંપની હતી. તેણે ભાજપને લગભગ રૂ. ૫૮૬ કરોડનું સૌથી વધુ દાન કર્યું હતું.

કંપનીએ બીઆરએસને રૂ. ૧૯૫ કરોડ, ડીએમકેને રૂ. ૮૫ કરોડ તથા વાયએસઆર કોંગ્રેસને રૂ. ૩૭ કરોડનું દાન આપ્યું હતું. કંપની તરફથી આંધ્ર પ્રદેશના ટીડીપીને રૂ. ૨૫ કરોડ જ્યારે કોંગ્રેસને રૂ. ૧૭ કરોડનું દાન મળ્યું હતું. 

એફઆઈઆર મુજબ સીબીઆઈએ ૧૦ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ જગદલપુરના એકીકૃત સ્ટીલ યુનિટમાં ઈન્ટેક વેલ અને પમ્પ હાઉસ તથા ક્રોસ કંટ્રી પાઈપલાઈનના કામ સંબંધિત રૂ. ૩૧૫ કરોડના પ્રોજેક્ટમાં કથિત લાંચ અંગે એફઆઈઆર કરી હતી. પ્રારંભિક તપાસના નિષ્કર્ષના આધારે ૧૮ માર્ચે કથિત લાંચ અંગે કેસ નોંધવાની ભલામણ કરાઈ હતી તથા ૩૧ માર્ચે એફઆઈઆર નોંધાઈ હતી. સીબીઆઈએ એનઆઈએસપી અને એનએમડીસી લિ.ના આઠ અધિકારીઓ પર રૂ. ૭૩.૮૫ લાખની લાંચ લેવાનો આરોપ મૂક્યો છે. આ સિવાય મેકોન લિ.ના બે અધિકારીઓના નામ પણ એફઆઈઆરમાં નોંધ્યા છે.  તેમના પર કથિત રીતે રૂ. ૧૭૪.૪૧ કરોડની ચૂકવણીના બદલામાં રૂ. ૫.૦૧ લાખ લેવાનો આરોપ મૂકાયો છે.

મેઘા એન્જિ.ના માલિક ડાયમંડ હાઉસમાં રહે છે

ચૂંટણી બોન્ડ પછી હવે સરકારી અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાના આરોપોનો સામનો કરનારી મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક પીપી રેડ્ડી ડાયમન્ડ હાઉસમાં રહે છે. વર્ષ ૧૯૮૯માં માત્ર બે લોકો સાથે નાની કંપની શરૂ કરનારા રેડ્ડી આજે રૂ. ૨૬,૭૦૦ કરોડની કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના ચેરમેન છે. રેડ્ડીનું ડાયમંડ હાઉસ આર્કિટેક્ચરની દૃષ્ટિએ આશ્ચર્યજનક છે. હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં રેડ્ડીના મહેલ જેવા બંગલાની બહારની દિવાલો કાચની છે. આ ઘર હીરા જેવું દેખાય છે અને કાચના કારણે ચમકતું રહે છે.


Google NewsGoogle News