NEET પેપર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ દાખલ, 13 આરોપીના નામ, અત્યાર સુધીમાં 40ની ધરપકડ
NEET Paper Leak Case: નીટ પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્રિય તપાસ એજન્સી CBIએ પ્રથમ વખત ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજેન્સીએ આ ચાર્જશીટમાં 13 લોકોને આરોપી બનાવ્યા છે અને તમામ આરોપીઓની ભૂમિકા વિશે પણ જણાવ્યું છે. નોંધનીય છે કે, મેડિકલ કોલેજોમાં એડમિશન મેળવવા માટે NEET એક્ઝામ ક્લિયર કરવી પડે છે, જેનું આયોજન નેશનલ ટેસ્ટ એજન્સી કરે છે. જો કે, પરીક્ષા પહેલા જ પેપર લીક થતાં હોબાળો મચ્યો હતો, ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા CBIને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી.
પેપર લીક મામલે કુલ 40ની ધરપકડ
CBIએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં નીતીશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેંદુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2, અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવનંદન કુમાર અને આયુષ રાજ આમ કુલ 13 લોકોને મુખ્ય આરોપી બનાવ્યા છે. ઉપરાંત CBIએ જણાવ્યું કે, આ મામલે અત્યાર સુધી કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 15 આરોપીઓની ધરપકડ બિહાર પોલીસે કરી છે.
સ્પલીમેંટ્રી ચાર્જશીટ
CBIને આ મામલે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે, જેમાં હજારીબાગ સ્કૂલના પ્રિન્સિપલ અહસાનુલહક, વાઇસ પ્રિંસિપલ દાનિશ, સોલ્વર ગેન્ગમાં સામેલ કેટલાક મેડિકલ સ્ટૂડેન્ટ્સ, પેપર ચોરી કરનાર પ્રકાશ ઉર્ફે આદિત્ય અને રાજૂ પણ સામેલ છે. આ લોકો સામે CBI આગામી કેટલાક દિવસોમાં સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરશે.
કઇ રીતે થઇ હતી પેપર લીકની પ્લાનિંગ?
દાનાપુરના જૂનિયર ઇન્જીનિયર સિકંદર યાદવેંદુની મુલાકાત નીતીશ કુમાર અને અમિત આનંદ નામના બે સોલ્વર ગેંગના સભ્યોથી થઇ હતી. નીતીશ કુમાર અને અમિત આનંદ સિકંદર પાસે પોતાનો એક અંગત કામ લઇને ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થતાં નીતીશ અને અમિતે સિકંદરને બતાવ્યું હતું કે તેઓ કોઇ પણ પરીક્ષાનું પેપર લીક કરાવી શકે છે, ત્યારે સિકંદરે તેના ભત્રીજા માટે વ્યવસ્થા કરવા આ બંનેને વાત કરી હતી. ત્યારે બંને આરોપીઓએ NEET પરીક્ષાનું પેપર લીક કરાવવાની કિંમત 32 લાખ બતાવી હતી. સિકંદરે ત્યારે તેમને જણાવ્યું કે, તેની પાસે 4 લોકો છે, જેમને પેપર જોઇએ છે. ત્યારબાદ સિકંદરે પેપર લેવા માગતા ચારેય આરોપી પાસે રૂપિયા 40 લાખની માગ કરી હતી.