ચૂંટણી બોન્ડથી રૂ.1200 કરોડનું ફંડ આપનાર મેઘા એન્જિનયરિંગના અધિકારીઓ સામે CBIનો કેસ, જાણો કારણ
Electoral Bond Case: ચૂંટણી બોન્ડમાં સૌથી વધુ ફંડ આપનાર મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા આ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કંપનીએ ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને રૂ. 1200 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું.
ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં CBIની કાર્યવાહી
નેશનલ ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ પોલિસી (NISP) માટે રૂ. 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં સીબીઆઈએ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ સ્ટીલ મંત્રાલયના એનએમડીસી આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટના આઠ અધિકારીઓ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે આ કેસ નોંધ્યો છે.
ફંડ આપનારી ટોચની કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ બીજા સ્થાને
મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ચૂંટણી બેન્ડ સંબંધિત ડેટા સામે આવ્યા બાદ ચર્ચામાં આવી હતી. રાજકીય પક્ષોને ફંડ આપનારી ટોચની કંપનીઓમાં તે બીજા સ્થાને છે. પામીરેડ્ડી પિચી રેડ્ડી અને પી.વી. કૃષ્ણા રેડ્ડીની કંપની એઈઆઈએલએ રૂ. 966 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના બંધ કરી હતી
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ઐતિહાસિક નિર્ણય આપતાં રાજકીય પક્ષોને ફંડ આપવા માટેની ચૂંટણી બોન્ડ યોજના બંધ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBI દ્વારા આ યોજના સંબંધિત સંપૂર્ણ ડેટા ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સાર્વજનિક રીતે ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરી કર્યા હતા. આના પર વિપક્ષે ચૂંટણી બોન્ડના ઘણાં મોટા ખરીદદારોના નામ સામે આવતા ભાજપ પર પ્રહારો કર્યા હતા.