રાજ્યમાં તૈનાત કેન્દ્રીય કર્મચારીઓ વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે CBI સ્વતંત્ર: સુપ્રીમ કોર્ટ
Supreme Court : સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 જાન્યુઆરી) CBI તરફી એક મોટી વાત કહી છે. કોર્ટે કહ્યું કે, 'સીબીઆઈને રાજ્યોના વિવિધ વિસ્તારોમાં તહેનાત કેન્દ્રીય અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી.' નોંધનીય છે કે, જસ્ટિસ સીટી રવિકુમાર અને રાજેશ બિંદલની બેન્ચે ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્ર સરકારના બે કર્મચારીઓ સામેની સીબીઆઈ તપાસને રદ કરવાના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને પલટી નાખ્યો હતો.
બેન્ચે કહ્યું કે, 'પોસ્ટિંગની જગ્યાને ધ્યાનમાં લીધા વિના, સ્પષ્ટરીતે દેખાય છે કે આરોપીઓ કેન્દ્રીય કર્મચારીઓ હતા અને તેમણે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કથિત રીતે ગંભીર ગુના કર્યા હતા, જે એક કેન્દ્રીય અધિનિયમ છે. આ માટે સીબીઆઈને રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂરિયાત નથી.'
શું છે સમગ્ર મામલો?
આ મામલો આંધ્રપ્રદેશમાં કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ સીબીઆઈની એફઆઈઆરનો છે. સીબીઆઇ એફઆઇઆર નોંધતા આરોપીઓએ સીબીઆઈના અધિકારક્ષેત્રને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને એવી દલીલ કરી હતી કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946 (DSPE એક્ટ) હેઠળ સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સંમતિ આંધ્ર પ્રદેશ લાગુ પડતી નથી. હાઈકોર્ટે આ દલીલ સાથે સંમતી વ્યક્ત કરીને FIR રદ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સીબીઆઇને નવી એફઆઇઆર નોંધવા માટે આંધ્ર પ્રદેશ સરકારની મંજૂરી લેવી પડશે.
આ પણ વાંચોઃ મણિપુરમાં ફરી ભડકી હિંસા, કુકી ઉગ્રવાદીઓએ ડીસી ઓફિસ પર કર્યો હુમલો, SP ઘાયલ
સુપ્રીમ કોર્ટે અસંમતિ વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રવિકુમારે હાઈકોર્ટના અર્થઘટન સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે ચુકાદો આપ્યો કે હાઈકોર્ટે સીબીઆઈ તપાસ માટે રાજ્ય પાસેથી નવી સંમતિ લેવાનો આદેશ આપી ભૂલ કરી હતી. શું સીબીઆઈને કોઈ પણ કેન્દ્રીય કાયદા હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારી સામે એફઆઈઆર નોંધવા માટે રાજ્ય સરકારની સંમતિ લેવાની જરૂર છે? કર્મચારી રાજ્યના પ્રદેશમાં કામ કરી રહ્યું હોય તો પણ આ એક કેન્દ્રીય મુદ્દો છે. માટે સીબીઆઇને આવી કોઈ સંમતિ જરૂરી નથી.
આ પણ વાંચોઃ 2025માં સુપ્રીમ કોર્ટને મળશે 3 ચીફ જસ્ટિસ, જાણો કોણ સૌથી વધુ સમય CJI તરીકે પદે રહ્યા
CBIની તપાસ કરવાની પરવાનગી
ખંડપીઠે જણાવ્યું હતું કે, 'DSPE એક્ટની કલમ 6 હેઠળની સંમતિ શાસન કેન્દ્રીય ગુનાઓની તપાસમાં અવરોધ લાવવા માટે રચાયેલ નથી કારણ કે તે રાજ્યની પ્રાદેશિક મર્યાદામાં થાય છે. DSPE એક્ટ હેઠળ રાજ્ય દ્વારા આપવામાં આવેલી સામાન્ય સંમતિ કેન્દ્રીય ગુનાઓ અને રાજ્ય-વિશિષ્ટ ઔપચારિકતાઓ, જેમ કે નવી સંમતિની જરૂર નથી, સાથે સંકળાયેલી CBI તપાસ માટે પૂરતી છે. આથી અમારું મક્કમ અભિપ્રાય છે કે જે વિવાદાસ્પદ નિર્ણય હેઠળ એફઆઈઆર અને તેને લગતી કાર્યવાહી રદ કરવામાં આવી હતી તે ટકી શકે નહીં. સીબીઆઇ રાજ્યની પરવાનગી લીધા વિના ફરી પોતાની તપાસ શરૂ કરી શકે છે.'