સીબીઆઈ પાંજરાના પોપટની છબીમાંથી બહાર આવે : સુપ્રીમ
- લાંબા સમય સુધી જેલવાસ કોઈને પણ સ્વતંત્રતાના અધિકારથી વંચિત રાખવા સમાન ઃ સર્વોચ્ચ અદાલત
- કેજરીવાલનો અંતે છૂટકારો
- ઈડીના કેસમાં કેજરીવાલને જામીન મળ્યા પછી જ સીબીઆઈ ધરપકડ માટે સક્રિય થઈ, ૨૨ મહિના સુધી કોઈ જરૂર ના પડી ઃ ન્યાયાધીશ ભુયાન
- જેલના સળીયા મારો ઉત્સાહ ઘટાડી શકે નહીં, મારી તાકાત ૧૦૦ ઘણી વધી ગઈ ઃ તિહારમાંથી બહાર નીકળતાં જ કેજરીવાલનો હુંકાર
- કેજરીવાલની ધરપકડમાં સીઆરપીસીની કલમ ૪૧ની પ્રક્રિયાનું પાલન નહીં કરાયાની અરજદારોની દલીલ ખોટી : ન્યાયાધીશ સૂર્યકાંત
નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે તેવા સમયે જ આમ આદમી પાર્ટી માટે રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરી દીધા છે. દિલ્હીમાં બંધ થઈ ગયેલી નવી એક્સાઈઝ નીતિમાં કૌભાંડ સંબંધે સીબીઆઈ અને ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલને ઈડીના મની લોન્ડરિંગ કેસમાં અગાઉથી જ જામીન મળી ગયા હતા. હવે સીબીઆઈના કેસમાં પણ જામીન મળી ગયા છે. સુપ્રીમે કહ્યું હતું કે, લાંબા સમય સુધી જેલવાસ કોઈને પણ સ્વતંત્રતાના અધિકારથી વંચિત રાખવા સમાન છે. વધુમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમણે હવે પાંજરાના પોપટની છબીમાંથી બહાર આવવું જોઈઅ.
સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ સૂર્ય કાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈના ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપવાની સાથે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. અરવિંદ કેજરીવાલની ધરપકડની જરૂરિયાત અને તેના સમય અંગે સીબીઆઈ પર હુમલો કરતા કહ્યું કે સીબીઆઈએ પાંજરાના પોપટની તેની છબીમાંથી બહાર આવવું જોઈએ.
દિલ્હીની હાલ બંધ થઈ ગયેલી નવી દારૂ નીતિમાં કૌભાંડ બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સીબીઆઈએ લોકસભા ચૂંટણી પહેલાં ૨૧ માર્ચના રોજ આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલને ઈડી સામેના કેસમાં અગાઉથી જામીન મળી ગયા છે ત્યારે શુક્રવારે સીબીઆઈના કેસમાં જામીન મળતા શુક્રવારે સાંજે અરવિંદ કેજરીવાલ ૧૫૬ દિવસે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા.
ન્યાયાધીશો સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે રૂ. ૧૦ લાખના બોન્ડ અને તેટલી જ રકમની બે સ્યોરિટી પર કેજરીવાલને શરતી જામીન આપ્યા હતા. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન અરવિંદ કેજરીવાલને જામીન આપવાના મુદ્દે સંમત હતા, પરંતુ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડની કાયદેસરતાના સવાલ પર બંને ન્યાયાધીશોના મત અલગ હતા.
ન્યાયાધીશ સૂર્યકાંતે ૨૭ પાનાના તેમના ચૂકાદામાં કહ્યું કે, સીબીઆઈએ સીઆરપીસીની કલમ ૪૧એની પ્રક્રિયાનું પાલન કર્યું છે.
અરજદારનો આરોપ કાયદા હેઠળ યોગ્ય છે. જેલમાં લાંબા સમય સુધી કેદ રહેવું લિબર્ટી માટે એક સમસ્યા છે. કોર્ટો સામાન્ય રીતે લિબર્ટી તરફ વલણ રાખે છે.
બીજીબાજુ ન્યાયાધીશ ઉજ્જલ ભુઈયાએ કેજરીવાલની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, એવું લાગે છે કે ઈડીના કેસમાં અરજદારને ટ્રાયલ કોર્ટ દ્વારા નિયમિત જામીન અપાયા પછી જ સીબીઆઈ સક્રિય થઈ હતી અને ધરપકડની માગ કરી હતી.
૨૨ મહિના કરતાં વધુ સમય સુધી તેમને કેજરીવાલની ધરપકડ કરવાની જરૂર અનુભવાઈ નહીં. પરંતુ ઈડીના કેસમાં મળેલા જામીન અર્થહીન બની જાય તે માટે સીબીઆઈએ ઉતાવળે જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી હતી. તેમણે ઉમેર્યું કે, સીબીઆઈ અગ્રણી તપાસ સંસ્થા છે. તપાસ નિષ્પક્ષરૂપે કરાઈ નથી તેવી લોક ધારણા દૂર કરવા માટે સીબીઆઈએ વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. સીબીઆઈએ પાંજરાના પોપટની તેની છબી દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે જામીન આપતા શુક્રવારે સાંજે તિહાર જેલમાંથી બહાર નીકળ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકરોને જણાવ્યું હતું કે, લાખો લોકોએ મારા માટે પ્રાર્થના કરી હતી, તેમના કારણે હું બહાર આવ્યો છું. ભાજપ પર હુમલો કરતા કહ્યું, આ લોકોએ મને જેલમાં નાંખ્યો હતો, તેમને એમ હશે કે જેલમાં જઈને કેજરીવાલનો ઉત્સાહ ઠંડો પડી જશે. પરંતુ મારો ઉત્સાહ અને મારી તાકાત ૧૦૦ ગણા વધી ગયા છે. મારું જીવન દેશને સમર્પિત છે.
મેં જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે, પરંતુ દરેક પગલે ભગવાને મને સાથ આપ્યો છે, કારણ કે હું સાચો હતો.
સીએમ કેજરીવાલને આ શરતોએ જામીન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેટલીક શરતો સાથે જામીન આપ્યા છે. કેજરીવાલ પર ઈડીના કેસમાં જામીન માટે જે શરતો લાગુ કરાઈ હતી તે જ શરતો સીબીઆઈના કેસમાં જામીન પર પણ લાગુ રહેશે.
(૧) કેજરીવાલ તેમના કેસ અંગે કોઈ જાહેર નિવેદન નહીં કરી શકે.
(૨) તેઓ મુખ્યમંત્રી ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જઈ શકે.
(૩) તેઓ સરકારી ફાઈલો પર ત્યાં સુધી હસ્તાક્ષર નહીં કરે જ્યાં સુધી તેમ કરવું અત્યંત આવશ્યક ના હોય તેવા તેમના કથનના અમલ માટે કેજરીવાલ બંધાયેલા છે. આ સિવાય દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી મેળવવી પણ તેમના માટે જરૂરી છે.
(૪) તેઓ વર્તમાન કેસમાં પોતાની ભૂમિકાના સંબંધમાં કોઈ જાહેર ટીપ્પણી નહીં કરી શકે.
(૫) તેઓ કોઈપણ સાક્ષી સાથે વાતચીત નહીં કરે અને-અથવા આ કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઈલ સુધી પહોંચ નહીં રાખી શકે.
કેજરીવાલ દારૂ નીતિ સિવાયની બધી જ ફાઈલોમાં સહી કરી શકશે : સિંઘવી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં જામીન મળી ગયા છે. જોકે, એમ કહેવાય છે કે તેઓ મુખ્યમંત્રી તરીકેનું કામકાજ નહીં કરી શકે. આ દાવાઓને ફગાવી દેતા કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તેમના અસલી દિલ્હીના મુખ્યમંત્રી છે અને ચૂંટાયેલી સરકાર અથવા રાષ્ટ્રપતિ શાસન સિવાય કોઈપણ તાકત તેમનો દરજ્જો બદલી શકે નહીં. કથિત દારૂ નીતિના જે કેસમાં કેજરીવાલની ધરપકડ થઈ છે તેના સંબંધિત ફાઈલો સિવાય બધી જ ફાઈલોમાં આપ પ્રમુખ મુખ્યમંત્રી તરીકે સહી કરી શકશે. કેજરીવાલને જામીન પર મુક્ત કરવામાં સુપ્રીમ કોર્ટની બેન્ચના બંને ન્યાયાધીશો સંમત હતા.