'સંજય રૉયે જ દુષ્કર્મ બાદ ટ્રેઈની ડૉક્ટરની હત્યા કરી હતી...', કોલકાતા કેસમાં CBIની ચાર્જશીટ દાખલ, 200 લોકોના નિવેદન લેવાયા
CBI Chargesheet In Kolkata RG Kar Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં CBIએ પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, તેમાં માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત છે. ચાર્જશીટમાં ગેંગ રેપનો કોઈ ઉલ્લેખ નથી. CBIની ચાર્જશીટ પ્રમાણે આ કેસના મુખ્ય આરોપી સંજય રોયે જ પીડિત ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. અધિકારીઓએ આજે આ જાણકારી આપી છે. કોલકાતાની એક સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં CBIએ કહ્યું કે, સ્થાનિક પોલીસ સાથે વોલેન્ટિયર તરીકે કામ કરનાર રોયે 9 ઓગષ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં આ ઘટનાને કથિત રીતે અંજામ આપ્યો હતો.
ચાર્જશીટમાં ગેંગરેપના આરોપનો ઉલ્લેખ નથી
અધિકારીના જણાવ્યા પ્રમાણે એજન્સીએ ચાર્જશીટમાં ગેંગરેપના આરોપનો ઉલ્લેખ નથી કર્યો, તેનાથી એ સંકેત મળે છે કે, રોયે એકલા જ આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે.
200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ કથિત રીતે આ ગુનો ત્યારે કર્યો હતો જ્યારે ડોક્ટર રાત્રે જમ્યા બાદ હોસ્પિટલના સેમિનાર હોલમાં આરામ કરવા ગયા હતા. CBIના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રોયને મુખ્ય આરોપી તરીકે નામાંકિત કરનારી ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં અન્ય કોઈ શંકાસ્પદ સંડોવાયેલા છે કે કેમ તે અંગે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે.