સીબીઆઇનો ગુરુગ્રામમાં નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ : 63ની ધરપકડ
- આંતરરાષ્ટ્રીય નાણાકીય છેતરપિંડી સામે સીબીઆઇનું ઓપરેશન ચક્ર ત્રણ
- ઇન્ટરપોલ અને એફબીઆઇની મદદથી રંગહાથે આરોપીઓને પકડયા 130 કોમ્પ્યુટર ડિસ્ક, 65 મોબાઇલ અને પાંચ લેપટોપ જપ્ત
- આરોપીઓ કોમ્પ્યુટરની સમસ્યાઓના ટેકનિકલ ઉકેલની ઓફર કરી વિદેશીઓ સાથે છેતરપિંડી કરતા હતાં
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ ગુરુગ્રામમાં એક કોલસેન્ટરનો પર્દાફાશ કરીને ૬૩ સાયબર અપરાધીઓની ધરપકડ કરી છે. આ અપરાધીઓ વિદેશીઓને તેમના કોમ્પ્યુટરની સમસ્યાઓના ટેકનિકલ ઉકેલની ઓફર કરી છેતરપિંડી કરતા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય છેતરપિંડીની વિરુદ્ધ અભિયાન ઓપરેશન ચક્ર ત્રણ હેઠળ સીબીઆઇએ ગુરુગ્રામ સ્થિત આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇન્ટરપોલ અને અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇની મદદથી ડીએલએફ સાયબર સિટી ફેઝ-૨માં ચાલી રહેલા કોલ સેન્ટરમાં દરોડા પાડી ૬૩ આરોપીઓની ધરપકડ કરી છે.
આ સાથે જ સીબીઆઇએ દિલ્હી, ગુરુગ્રામ અને નોઇડામાં સાત સ્થળોએ દરોડા પાડી મોટા પ્રમાણમાં પુરાવા એકત્ર કર્યા છે. સીબીઆઇના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ઇન્નોસેંટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના નામથી ચાલી રહેલા આ કોલસેન્ટર ૨૦૨૨થી અનેક દેશોમાં નાણાકીય છેતરપિંડીને અંજામ આપી રહ્યાં હતાં.
નિર્દોષ લોકોને શિકાર બનાવવા માટે નેટવર્કના લોકો કોમ્પ્યુટર પર પોપ અપ્સ મોકલતા હતાં. પોપઅપ્સ પર ક્લિક કરતા જ કોમ્પ્યુટરમાં એક એવું સોફ્ટવેર જતું રહેતું હતું જેનાથી કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દેતું હતું.
કોમ્પ્યુટર સિસ્ટમને રિસ્ટોર કરવાના નામે આરોપી મોટી રકમ વસૂલ કરતા હતાં. વિભિન્ન દેશોમાંથી વસૂલ કરવામાં આવેલી રકમ અંતે હોંગકોંગ પહોંચાડવામાં આવતી હતી.
ઇન્ટરપોલ અને એફબીઆઇ પાસેથી મળેલી પ્રાથમિક તપાસના આધારે સીબીઆઇએ ૨૨ જુલાઇને ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનિક કાયદાની વિભિન્ન કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.
દરોડા દરમિયાન આરોપીઓને રંગે હાથ પકડવામાં આવ્યા હતાં. આરોપીઓ પાસેથી ૧૩૦ કોમ્પ્યુટર ડિસ્ક, ૬૫ મોબાઇલ ફોન અને પાંચ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમની પાસેથી નાણાકીય લેવડદેવડ, કોલ રેકોર્ડિંગ અને છેતરપિડીના શિકાર બનેલા લોકોની માહિતી પણ મળી છે.