સીબીઆઇએ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી, આજે કોર્ટમાં રજુ કરશે
- એક્સાઇઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલી વધી
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડમાં પ્રથમ વખત કેન્દ્રીય એજન્સી સીબીઆઇએ કેજરીવાલની ધરપકડ કરી છે. ઇડીના મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ તિહાર જેલમાં કેદ છે, સીબીઆઇએ જેલમાંથી જ મુખ્યમંત્રીની ધરપકડ કરી લીધી છે. ઇડીના મામલામાં બુધવારે સુપ્રીમમાં સુનાવણી થાય તેના એક દિવસ અગાઉ જ સીબીઆઇએ આ કાર્યવાહી કરી છે.
હાલ સીબીઆઇ અને ઇડી બન્ને એજન્સીઓ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડની તપાસ કરી રહી છે. તિહાર જેલમાં સીબીઆઇ દ્વારા કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે સીબીઆઇ કેજરીવાલને બુધવારે કોર્ટમાં રજુ કરશે અને તેમને કસ્ટડીમાં મોકલવાની કોર્ટ પાસેથી મંજૂરી લેશે. તાજેતરમાં જ આ કેસમાં જેલમાંથી જામીન પર છૂટેલા આપના સાંસદ સંજયસિંહે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે સરકાર કેજરીવાલ સામે મોટુ કાવતરુ ઘડી રહી છે. સીબીઆઇએ કેજરીવાલની સામે જુઠો કેસ તૈયાર કર્યો છે.
ઇડીના કેસમાં બુધવારે કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પુરી શક્યતાઓ છે. જે પહેલા જ કેન્દ્રની ભાજપ સરકારે સીબીઆઇ સાથે મળીને કેજરીવાલ સામે જુઠો કેસ તૈયાર કરીને તેમની ધરપકડનું કાવતરુ ઘડયું છે. પુરો દેશ ભાજપ અને કેન્દ્ર સરકારનો અત્યાચાર જોઇ રહ્યો છે. દેશ ભાજપની આ બળજબરીની વિરુદ્ધમાં અને કેજરીવાલના સમર્થનમાં ઉભો છે. સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવશે. સીબીઆઇએ મંગળવારે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી અને કેજરીવાલને વોરંટ જાહેર કરવાની માગ કરી હતી, કોર્ટે બાદમાં વોરંટ જાહેર કર્યું હતું, જેને પગલે સીબીઆઇએ કેજરીવાલની ધરપકડ કરી હતી, હવે તેમને બુધવારે દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરાશે. સીબીઆઇએ કોર્ટમાં દાવો કર્યો છે કે કેજરીવાલ સામે નવા પુરાવા મળ્યા છે.