દિલ્હીમાં સરકાર બદલાતાં જ મોટી કાર્યવાહી, પરિવહન વિભાગના 6 અધિકારીઓની ધરપકડ, જાણો આરોપ
Delhi Transport Department Officers Arrest: દિલ્હીમાં સરકાર બદલાતાંની સાથે જ પરિવહન વિભાગના 6 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBIએ ભ્રષ્ટાચાર અને લાંચના આરોપમાં દિલ્હી પરિવહન વિભાગના 6 અધિકારીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, તાજેતરની ચૂંટણીમાં સત્તારુઢ આમ આદમી પાર્ટી(AAP)ની હાર પછી રાજધાનીમાં આ પહેલી મોટી કાર્યવાહી છે. મંગળવારે સાંજે આ તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે એજન્સીને ફરિયાદો મળી રહી હતી.
ધરપકડ કરતાં પહેલા ફરિયાદોનું નિરીક્ષણ અને ચકાસણી
આ મામલે CBIએ જણાવ્યું કે, ધરપકડ કરતાં પહેલા ફરિયાદોનું નિરીક્ષણ અને ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરિયાદોની ચકાસણીમાં પ્રથમ દૃષ્ટિએ વિવિધ સ્તરે ભ્રષ્ટાચારના સંકેતો મળ્યા છે, જેના પગલે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ તમામની પૂછપરછ ચાલી રહી છે.
આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી
એક અહેવાલ પ્રમાણે CBIના સૂત્રોએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે દિલ્હી પરિવહન વિભાગના અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામે ખાખી વર્દી પહેરી હતી. તેઓ વર્દીનો દુરુપયોગ કરી રહ્યા હતા. તેઓ રસ્તાઓ પર દોડતા વાહનો પાસેથી ચલણ વસૂલતા હતા. આ જ આરોપો પર CBIએ તેમની સામે તપાસ શરુ કરી હતી. CBIને જાણવા મળ્યું કે 6 T4 અને T5 સ્તરના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા હતા. ત્યારે હવે આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચારના કેસમાં કરાઈ કાર્યવાહી
એજન્સીનું કહેવું છે કે, ભ્રષ્ટાચારના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પરિવહન વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એજન્સી તેમની કસ્ટડી માંગશે. તપાસ બાદ ખબર પડશે કે, તેઓ લાંચ પોતે લઈ રહ્યા હતા કે કોઈ ઉચ્ચ અધિકારીને આપી રહ્યા હતા. CBIનું કહેવું છે કે આ એક મોટી કાર્યવાહી છે.