'30 વર્ષમાં આવો કેસ જોયો નથી', કોલકાત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું-શું થયું?
Kolkata Rape & Murder Case: કોલકાત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ કેસની સુનાવણી આજે (22મી ઑગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકાત્તા પોલીસના વલણ પર કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું કે 'મેં છેલ્લા 30 વર્ષમાં આવો કેસ જોયો નથી.' કોર્ટે સીબીઆઇના સ્ટેટસ રિપોર્ટ અને કોલકાત્તા પોલીસના તપાસ રિપોર્ટ વચ્ચેના તફાવત પર પણ સવાલ ઉઠાવ્યા અને કોલકાત્તા પોલીસના વલણને શંકાસ્પદ ગણાવ્યું.
આ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચનું વલણ પણ કડક જોવા મળ્યું હતું. ત્યારે જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું હતું કે, 'ફોજદારી કાયદામાં પોલીસ દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયા એવી નથી કે જે સી.આર.પી.સી. અનુસરે છે અથવા મેં મારા 30 વર્ષમાં જોયું છે. તો શું એ વાત સાચી છે કે યુડી રિપોર્ટ બાદ પોસ્ટ મોર્ટમ થયું છે. જેઓ મદદનીશ પોલીસ અધિક્ષક છે, તેનું વર્તન પણ ખૂબ જ શંકાસ્પદ છે. તેમણે આવું વર્તન કેમ કર્યું?'
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો, આર.જી. કર મેડિકલ કૉલેજની સુરક્ષા CISFને સોંપાઈ
સુપ્રીમ કોર્ટમાં CBIનો દાવો
સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, 'ઘટના સ્થળને નુકસાન થયું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.' સીબીઆઇની આ દલીલનો પશ્ચિમ બંગાળ સરકારના વકીલે વિરોધ કર્યો હતો. જ્યારે કોર્ટે સીબીઆઇને પૂછ્યું કે મેડિકલ તપાસ રિપોર્ટ ક્યાં છે ? તો સીબીઆઇએ કહ્યું કે 'અમારી સમસ્યા એ છે કે અમને આ ઘટનાના 5 દિવસ પછી તપાસ મળી.'
બંગાળ સરકારે સીબીઆઇની દલીલનો વિરોધ કર્યો
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે પૂછ્યું કે, 'આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે?' આના પર સીબીઆઇના વકીલ સોલિસિટર જનરલે કહ્યું કે, 'અમને આ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.' તો બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, 'આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે.' આના પર એસજીએ કહ્યું કે 'અમે 5માં દિવસે ક્રાઇમ સીન પર પહોંચ્યા છીએ અને સીબીઆઇ તપાસ શરુ કરવી એક પડકાર છે અને ક્રાઇમ સીન બદલવામાં આવ્યો છે. '
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની ડૉક્ટરોને અપીલ
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હડતાળ કરી રહેલા ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે ડૉક્ટરોને ભાવનાત્મક અપીલ કરતાં કહ્યું હતું કે, 'તમે કામ પર પાછા ફરો કારણ કે દર્દીઓ તમારી રાહ જોઈ રહ્યા છે.'