બિહારમાં 'જાતિગત' વસતિ ગણતરી : રાજકીય કાવાદાવા પરાકાષ્ઠાએ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
બિહારમાં 'જાતિગત' વસતિ ગણતરી : રાજકીય કાવાદાવા પરાકાષ્ઠાએ 1 - image


- અગાઉ મનમોહનસિંહની સરકારે સર્વેક્ષણ કરાવ્યું હતું : મોદી સરકારે અહેવાલ જાહેર ન કર્યો 

- બિહારમાં છ ધર્મ પાળતા 215 જાતિના 13 કરોડ લોકોનો વસવાટ, ખૂબ જ પછાત અને પછાત કેટેગરીની જ્ઞાતિઓની રાજ્યમાં 63 ટકા વસતિ : સીએમ નીતીશ કુમારે રિપોર્ટને ઐતિહાસિક ગણાવ્યો

પટણા : બિહારમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો અહેવાલ રજૂ થયો હતો. ડેવલપમેન્ટ કમિશ્નર વિવેક સિંહે રિપોર્ટ જાહેર કર્યો હતો. બિહાર સરકારે જાન્યુઆરી-૨૦૨૩માં જાતિ આધારિત સર્વે શરૂ કરાવ્યો હતો. ભાજપ સહિતના પક્ષોએ એનો વિરોધ કર્યો હતો, જ્યારે સત્તાધારી જદયુ-રાજદ ઉપરાંત કોંગ્રેસ સહિતના નવ પક્ષોએ સમર્થન કર્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ અહેવાલને ઐતિહાસિક ગણાવ્યો હતો અને ગાંધી જયંતીના દિવસે રજૂ થયેલા અહેવાલનું સ્વાગત કર્યું હતું. આ ડેટાના આધારે પછાત જાતિના વિકાસમાં મદદ મળશે એવું મુખ્યમંત્રીએ કહ્યું હતું. બિહારની કુલ વસતિ ૧૩ કરોડથી વધુ હોવાનં  નોંધાયું હતું ને એમાંથી અતિ પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગની વસતિ ૬૩ ટકા જેટલી થાય છે.

બિહારમાં પહેલી વખત જાતિ આધારિત વસતિ ગણતરી હાથ ધરાઈ હતી. જાન્યુઆરી-૨૦૨૩માં વસતિ ગણતરી માટેના પ્રયાસો શરૂ કરાયા હતા. બિહારમાં સત્તાધારી ગઠબંધનના પક્ષો જદયુ અને રાજદના સમર્થન ઉપરાંત કોંગ્રેસ સહિતના ૯ પક્ષોએ જાતિ આધારિત વસતિ ગણતરીની તરફેણમાં મત આપ્યો હતો. બિહાર વિધાનસભામાં જાતિ આધારિત વસતિ ગણતરી માટે એક બિલ પસાર થયું હતું. બીજી તરફ રાજ્યમાં મુખ્ય વિપક્ષ ભાજપે શરૂઆતથી જ જાતિ આધારિત વસતિ ગણતરીનો વિરોધ કર્યો હતો. એ મુદ્દો કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ એમાં બિહાર સરકારને જાતિ આધારિત વસતિ ગણતરી કરતા અટકાવી શકાય નહીં એવું તારણ આવ્યું હતું.

તે પછી ગમે તે દિવસે બિહારની સરકાર જાતિ આધારિત સર્વેનો રિપોર્ટ આપશે એવી ચર્ચા ચાલતી હતી. બરાબર ગાંધી જયંતીના દિવસે જ બિહાર સરકારના ડેવલપમેન્ટ કમિશ્નર વિવેક સિંહે જાતિ આધારિત વસતિ ગણતરીનો અહેવાલ આપ્યો હતો. એ અહેવાલ પ્રમાણે બિહારમાં છ ધર્મો પાળતી ૨૧૫ જાતિના ૧૩ કરોડ લોકો રહે છે ને ૨૦૦૦ કરતાં વધુ લોકો નાસ્તિક છે. ઓબીસી સૌથી મોટો વર્ગ છે. અન્ય પછાત વર્ગ ૨૭.૧૩ ટકા અને અતિ પછાત વર્ગની વસતિ રાજ્યમાં ૩૬ ટકા છે. તે હિસાબે બિહારમાં ૬૩ ટકા ઓબીસી જાતિઓ છે. તે પછી બીજા ક્રમે ૧૯.૬૫ ટકા સાથે અનુસૂચિત જાતિ (એસસી)ના લોકો છે. અનુસૂચિત જનજાતિ (એસટી)ની વસતિ ૧.૬૮ ટકા છે. રાજ્યમાં જનરલ કેટેગરીની વસતિ ૧૫.૫૨ ટકા છે. જ્ઞાતિમાં યાદવો ૧૪.૨૭ ટકાથી વધુ છે. એ પછી મોચી-ચમાર-રવીદાસ ૫.૨ ટકા, કુશવાહા ૪.૨૭ ટકા છે. બિહારમાં બ્રાહ્મણોની વસતિ ૩.૬૬ ટકા અને ભૂમિહારોની આબાદી ૨.૮૬ ટકા છે. રાજ્યમાં ૧૦ કરોડ હિન્દુ, અઢી કરોડ મુસ્લિમ, સવા લાખ બૌદ્ધ, ૭૫ હજાર ખ્રિસ્તી, ૧૪ હજાર શીખ, ૧૨ હજાર જૈન ધર્મના લોકો રહે છે.

રિપોર્ટ આવ્યો તે પછી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે ગાંધી જયંતીના દિવસે આ અહેવાલ આવ્યો છે અને આ અહેવાલથી પછાત વર્ગોના વિકાસમાં મદદ મળશે એવું કહ્યું હતું. એટલું જ નહીં, જે પક્ષોએ જાતિગત વસતિ ગણતરીને સમર્થન આપ્યું હતું તેની બેઠક મળશે અને આગામી રૂપરેખા તૈયાર થશે એવું કહ્યું હતું. જદયુના સાથીપક્ષ રાજદના વડા લાલુ પ્રસાદ યાદવે આ રિપોર્ટને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંદન કેન્દ્રમાં સરકાર બનાવશે એટલે દેશભરમાં જાતિ આધારિત વસતિ ગણતરી કરવામાં આવશે. વર્ષોથી જાતિ આધારિત વસતિ ગણતરી બંધ થઈ હતી, પરંતુ બિહારે ફરીથી એ શરૂ કરી હતી. એ રીતે બિહાર આ પ્રકારની અલગથી ગણતરી કરનારું પ્રથમ રાજ્ય બન્યું હતું.

વિપક્ષો સમાજનું જાતિગત વિભાજન કરે છે : મોદી

જાતિ આધારિત વસતિ ગણતરી બિહારની જનતામાં ભ્રમ ફેલાવશે : ભાજપ

બિહારમાં જાતિગત વસતિ ગણતરીને લઈને ભાજપ-કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા આવી હતી. ભાજપે કહ્યું હતું કે જાતિ આધારિત સર્વે બિહારના લોકોમાં ભ્રમ ફેલાવશે. આ સમાજને વિભાજન કરવાની માનસિકતા છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે આ રિપોર્ટથી પછાત અને ગરીબોને ન્યાય મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્વાલિયરમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે આજે વિશ્વમાં ભારતે નામ કાઢ્યું છે. ભારતનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. આખી દુનિયાને ભારત પાસેથી અપેક્ષા છે, પરંતુ વિપક્ષો હજુય જાતિ આધારિત વિભાજનનું છીછરું રાજકારણ રમી રહ્યાં છે. એ પહેલાં ય પાપ કરતા હતા અને આજેય પાપ કરે છે. સમાજનું વિભાજન કરીને ગરીબોથી લાગણી સાથે ખેલી રહ્યાં છે.

બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ આ રિપોર્ટને આવકાર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે અમે તો શરૂઆતથી જ જાતિ આધારિત વસતિ ગણતરીની તરફેણ કરીએ છીએ. આ અહેવાલથી દેશના ગરીબોને સામાજિક ન્યાય મળશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે બિહારમાં ઓબીસી અને એસસી-એસટીની વસતિ ૮૪ ટકા છે. કેન્દ્ર સરકારના ૯૦ સચિવોમાં માત્ર ત્રણ જ ઓબીસીમાંથી આવે છે. એટલે ભારતના જાતિગત આંકડા જાણવા જરૂરી છે. જેટલી વસતિ એટલો હક - એ અમારું પ્રણ છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે યુપીએ સરકારે જાતિ આધારિત વસતિ ગણતરી કરાવી હતી, પરંતુ એનડીએ સરકારે એ અહેવાલ ક્યારેય પ્રસિદ્ધ કર્યો નહીં.

બિહાર ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે આ ગણતરીમાં સામાજિક વાસ્તવિકતા દેખાતી નથી. આ અહેવાલથી કોઈ સામાજિક પરિવર્તન આવશે નહીં. 

અમે જાતિ આધારિત વસતિની શરૂઆતથી તરફેણ કરીએ છીએ, તેનાથી ગરીબોને સામાજિક ન્યાય મળશે : કોંગ્રેસ

સૌથી વધુ વસતિ

નામ

વસતિ

ટકા

યાદવ

૧.૮૬ કરોડ

૧૪.૨૭

દુશાડ

૬૯ લાખ

૫.૩૧

ચમાર

૬૮ લાખ

૫.૨૫

કોળી

૫૫ લાખ

૪.૨૦

મુશાર

૪૦ લાખ

૩.૮૦

બ્રાહ્મણ

૪૭ લાખ

૩.૬૫

રાજપુત

૪૫ લાખ

૩.૪૫

કુર્મી

૩૭ લાખ

૨.૮૭

વાણિયા

૩૦ લાખ

૨.૩૦

કાયસ્થ

૭ લાખ

૦.૬૦ ટકા


સૌથી ઓછી વસતિ

નામ

વસતિ

ભાસ્કર

૩૭

જાદુપટિયા

૯૩

કોર્કુ

૧૦૨

સૌટા

૧૦૭

હો

૧૪૩

નામ

વસતિ

ઢેખાળુ

૧૯૦

પાહિરા

૨૨૬

ખેલ્ટા

૨૪૬

ખોંડ

૩૦૩

ધારામી

૩૧૨


Google NewsGoogle News