Get The App

ચૂંટણી ટાણે રોકડ-દારુ-ડ્રગ્સની હેરાફેરમાં ધરખમ વધારો, 5 ચૂંટણી રાજ્યોમાંથી રૂ.1760 કરોડ જપ્ત

ચૂંટણી પંચના અધિકારીઓએ 5 ચૂંટણી રાજયોમાંથી રોકડ, દારુ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ સહિતની વસ્તુઓ જપ્ત કરી

પાંચેય રાજ્યોમાં ગત ચૂંટણીમાં 239.15 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી, આ વખતે 636%નો વધારો થયો

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
ચૂંટણી ટાણે રોકડ-દારુ-ડ્રગ્સની હેરાફેરમાં ધરખમ વધારો, 5 ચૂંટણી રાજ્યોમાંથી રૂ.1760 કરોડ જપ્ત 1 - image

નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, સોમવાર

ચૂંટણી ટાણે રોકડ, દારુ, ડ્રગ્સની હેરફેરની મોસમ પુર બહારમાં ખીલતી હોય છે. ચૂંટણી પંચ (Election Commission) પણ આ બધી બાબતો પર ખાસ નજર રાખતી હોય છે, ત્યારે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જપ્ત કરાયેલ રોકડ રકમને લઈ ચૂંટણી પંચના ડેટામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડેટા મુજબ ગત વિધાનસભા ચૂંટણી-2018 કરતા આ વખતે પાંચેય રાજ્યોમાં જપ્ત કરાયેલ રકમમાં 636 ટકાનો વધારો થયો છે. 

સૌથી વધુ તેલંગણામાંથી રોકડ રકમ જપ્ત કરાઈ

ચૂંટણી પંચના ડેટા મુજબ તેલંગણા (Telangana)માં 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જોકે તે પહેલા આ રાજ્યમાંથી સૌથી વધુ 659.2 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાન (Rajasthan)માંથી 650.7 કરોડ, મધ્યપ્રદેશ (Madhya Pradesh)માંથી 323.7 કરોડ, છત્તીસગઢ (Chhattisgarh)માંથી 76.7 કરોડ અને મિઝોરમ (Mizoram)માંથી 49.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે. દરમિયાન તાજેતરમાં જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થયું છે, જ્યારે રાજસ્થાન અને તેલંગણામાં અનુક્રમે 23 અને 30 નવેમ્બરે મતદાન યોજાશે, ત્યારે 2 રાજ્યોમાં મતદાન બાકી હોવાથી જપ્ત કરાયેલી રકમમાં વધારો થવાની સંભાવના છે.

2018માં 239.15 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી

ચૂંટણી પંચે આજે (સોમવારે) જણાવ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પાંચેય રાજ્યોમાંથી 1760 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી હોવાની સૂચના ચૂંટણી અધિકારીઓએ આપી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પાંચેય રાજ્યોમાંથી અત્યાર સુધીમાં જે રોકડ રકમ જપ્ત કરાઈ છે, તે ગત ચૂંટણીમાં જપ્ત કરાયેલ રોકડથી 636 ટકા વધુ છે. ગત વિધાનસભા ચૂંટણી-2018માં 239.15 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ પાંચેય ચૂંટણી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલગણા અને મિઝોરમ છે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે, જપ્ત કરાયેલ વસ્તુઓમાં રોકડ, દારુ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ (કરોડોની કિંમતનું) મફત ભેટ અને અન્ય વસ્તુઓ સામેલ છે.


Google NewsGoogle News