તમાકુ કંપનીના માલિકના ઘર પર ITનો સપાટો : કરોડોની કિંમતની ઘડિયાળો, રોકડ અને ઘરેણા જપ્ત
હાલ આવકવેરા વિભાગની ટીમ ગ્રુપના માલિકની પૂછપરછ કરી રહી છે
IT Raids : આવકવેરા વિભાગે (IT) ઉત્તરપ્રદેશના કાનપુર (Kanpur)ની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા, જે આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. બંશીધર તમાકુ ગ્રુપ કંપનીના (Bansidhar Tobacco) માલિક કે.કે.મિશ્રા (KK Mishra)ના નિવાસ્થાને આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડા દરમિયાન હિરા જડેલી ઘડિયાળો, લક્ઝરી કાર, રોકડા તેમજ ઘરેણા મળી આવ્યા હતા. હાલ આવકવેરા વિભાગની ટીમ ગ્રુપના માલિકની પૂછપરછ કરી રહી છે.
આવકવેરા વિભાગની ટીમ મિશ્રાની પૂછપરછ કરી રહી છે
અગાઉ આવકવેરા વિભાગના અધિકારીઓને બીજા દિવસે બંશીધર તમાકુ કંપનીના માલિક કે.કે મિશ્રાના નિવાસ્થાને દરોડા દરમિયાન કોરોડોની કિંમતની પાંચ મોંઘી ઘડિયાળો મળી આવી હતી, જેમાં આશરે રૂ. 2.5 કરોડની કિંમતની હીરા જડેલી ઘડિયાળનો પણ સમાવેશ થાય છે. આ પાંચ ઘડિયાળોની ટોટલ વેલ્યુ કઢાવવા માટે વેલ્યુઅરને બોલાવવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ થોડા દિવસો બાદ આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગની ટીમ મિશ્રાની પૂછપરછ કરી રહી છે. આવકવેરા અધિકારીઓએ કંપનીના માલિકને સવાલો કર્યા હતા કે જો કંપનીનું ટર્નઓવર માત્ર 20-25 કરોડ છે તો પછી 60-70 કરોડ રૂપિયાથી વધુની કિંમતની કાર તમારા ઘરમાં કેવી રીતે આવી? જો કે મિશ્રા પોતાની તબિયત ખરાબ હોવાનું કારણ આપીને અધિકારીઓના સવાલોના જવાબ આપવાનું ટાળી રહ્યા છે.
આવકવેરા વિભાગે રોકડા અને કોરોડોની કિંમતના ઝવેરાત જપ્ત કર્યા
નોંધનીય છે કે કંપનીએ કોઈપણ દસ્તાવેજો વગર જ પાન મસાલાના મોટા ગ્રુપને માલ વેચ્યો હતો. એટલે કે, કોઈપણ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા વિના, પાન મસાલા ગ્રુપે આ કંપની પાસેથી માલ ખરીદ્યો હતો, જેના આધારે આવકવેરા વિભાગ મોટા પાન મસાલા જૂથ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે જેણે આ કંપની પાસેથી સામાન ખરીદ્યો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ અત્યાર સુધીની કાર્યવાહીમાં 4.30 કરોડ રૂપિયા રોકડા અને 2.5 થી 3 કરોડ રૂપિયાની કિંમતના ઘરેણા જપ્ત કર્યા છે. આ ઉપરાંત મોંઘી કારની ખરીદી પાછળ કોઈ પૈસા કમાયા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
દરોડા દરમિયાન મળી કરોડોની કિંમતની લક્ઝરી કાર
ઉલ્લેખનીય કે, આવકવેરા વિભાગને આ દરોડામાં 60 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લક્ઝરી કારો મળી આવી હતી. આ કારો દિલ્હીના નિવાસ સ્થાને રાખવામાં આવી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. બંશીધર તમાકુના માલિક કેકે મિશ્રાના દીકરાના ઘરે દરોડામાં મેક્લરેન, લેમ્બોર્ગિની, ફરારી જેવી ગાડીઓ પણ મળી હતી, જેની કિંમત કરોડોમાં છે. સાથે જ આવકવેરા વિભાગને આ દરોડામાં કુલ 4.5 કરોડ રૂપિયા કેશ પણ મળ્યા છે તેમજ કેટલાક દસ્તાવેજ પણ આવકવેરા વિભાગે જપ્ત કરી લીધા છે.