કેશ ફોર વોટનો મામલો : રાહુલ ગાંધી, ખડગે અને સુપ્રિયા સુલેને વિનોદ તાવડેએ મોકલી લીગલ નોટિસ
Cash For Vote Case: કેશ ફોર વોટનો મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટેના 'કેશ ફૉર વોટ'ના કથિત કાંડ મુદ્દે હજુ પણ રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. આ કાંડમાં ભાજપના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો. ત્યારે હવે વિનોદ તાવડેએ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રિયા સુલેને લીગલ નોટિસ મોકલી છે.
‘કેશ ફૉર વોટ’ કાંડ ફસાયેલા તાવડે વિરુદ્ધ FIR
‘કેશ ફૉર વોટ’ કાંડ મુદ્દો ચગ્યા બાદ ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તાવડે સામે FIR નોંધાવી હતી. કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી બેમાં ભાજપ ઉમેદવાર અને એકમાં વિનોદ તાડવેનું નામ સામેલ છે. મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'નાલાસોપારામાં સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આચારસંહિતાના પાલન માટે રચાયેલી ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફ્લાઈંગ સ્ક્વોડે પરિસરનો તાગ મેળવ્યો હતો અને કેટલીક જપ્તી પણ કરી હતી. બધું નિયંત્રણમાં છે અને જે કોઈ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.'
હોટલના રૂમમાંથી 9.93 લાખની રોકડ મળી
આ કાંડ ઉછળ્યા બાદ ચૂંટણી પંચે હોટલના રૂમોની તપાસ કરી હતી. પંચના એક અધિકારીએ કહ્યું હતું કે, હોટલના રૂમમાંથી 9.93 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. જો કે, વિનોદ તાવડેએ આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, સીસીટીવીની તપાસ કરવી જોઈએ, ત્યારબાદ સત્ય બધાની સામે આવશે. તેમણે કહ્યું કે, નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક યોજાવાની હતી. આથી તેઓ આ બેઠકમાં આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન સીલ કરવાની પદ્ધતિ વગેરે સમજાવવા આવ્યા હતા.
હું મૂર્ખ નથી કે, વિપક્ષી નેતાની હોટલમાં રોકડ વહેંચુ? : વિનોદ તાવડે
તાવડેએ કહ્યું કે, ‘હિતેન્દ્ર ઠાકુર અને તેમનો પરિવાર વિવાંતા હોટલના માલિક છે. શું હું એટલો મૂર્ખ છું કે વિપક્ષી નેતાની હોટેલમાં રોકડ લઈ જઈ ત્યાં પૈસા વહેંચીશ? હું 40 વર્ષથી રાજકારણમાં છું અને સંપૂર્ણ નિયમો જાણું છું કે, ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ સાઈલન્સ સમયગાળા દરમિયાન શું કરી શકાય અને શું ન કરી શકાય. હું માત્ર સામાન્ય વાતચીત કરવા માટે કાર્યકર્તાઓ પાસે આવ્યો હતો. હું પ્રચાર કરવામાં પણ ન હતો. મતદાન પ્રક્રિયા સમજાવવા માટે મારા અને કાર્યકર્તાઓ વચ્ચે મુલાકાત થયાની હતી.’
‘રાષ્ટ્રીય નેતાઓ પણ આ નાના મુદ્દામાં કુદી પડ્યા’
તેમણે કહ્યું કે, મહાવિકાસ અઘાડીના નેતાઓએ વિગતવાર તપાસો કરવાની માંગ કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, રાષ્ટ્રીય નેતાઓ પણ આ નાના મુદ્દામાં કુદી પડ્યા છે. ભાજપના લોકો એટલા મૂર્ખ નથી કે, વિપક્ષી નેતાની હોટલમાં જઈને રોકડની વિતરણ કરશે. તેઓએ આ બાબત સમજવી જોઈએ. આખરે મારી પાસેથી કોઈ રકમ મળી નથી. રાહુલ ગાંધી અને સુપ્રિયા સુલેએ જે પાંચ કરોડ રૂપિયા જોયા છે, મહેરબાની કરીને મને મોકલે. મારા એકાઉન્ટમાં પણ જમા કરાવી શકે છે.