કેશ ફોર ક્વેરી કેસ મહુઆ મોઈત્રાની સંસદમાંથી હકાલપટ્ટી
- એથિક્સ સમિતિએ તૃણમૂલ સાંસદ વિરુદ્ધ રજૂ કરેલો રિપોર્ટ ગૃહમાં ધ્વની મતથી પસાર
- મોદી સરકારની ટીકા કરવાના બદલામાં રૂ. ૨ કરોડ અને વૈભવી ગીફ્ટની લાંચનો મહુઆ પર આરોપ : ગૃહમાં ધ્વનિ મતદાનમાં વિપક્ષનો વોકઆઉટ
- વિપક્ષે રિપોર્ટ પર ચર્ચામાં મહુઆ મોઈત્રાને બોલવાની તક આપવા માગ કરી હતી : હકાલપટ્ટીનો નિર્ણય ઉતાવળો ગણાવ્યો
નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાની શુક્રવારે લોકસભામાંથી હકાલપટ્ટી કરાઈ હતી. લોકસભામાં ગુરુવારે કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પર શુક્રવારે ચર્ચા પછી ધ્વનિ મતથી મતદાન થયું હતું. આ સમયે વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કરી દીધો હતો. ત્યાર પછી એથિક્સ સમિતિનો રિપોર્ટ મંજૂર કરી દેવાયો હતો. એથિક્સ સમિતિએ મહુઆ વિરુદ્ધ આરોપોને ગંભીર ગણાવતા કાર્યવાહીની માગણી કરી હતી. રિપોર્ટ પર ચર્ચા વખતે તૃણમૂલ, કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષના સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાની તક આપવાની માગ કરી હતી. જોકે, ભાજપ સાંસદે આ માગનો વિરોધ કર્યો હતો. ભાજપ સાંસદ પ્રહ્લાદ જોશીએ મહુઆની હકાલપટ્ટીની દરખાસ્ત કરી હતી, જેને ધ્વનિ મતથી મંજૂરી અપાઈ હતી.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા પર નાણાં લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ મૂકાયો હતો. સાથે જ મહુઆ પર તેમના મિત્ર હિરાનંદાનીને સંસદના લોગ-ઈન આઈડી અને પાસવર્ડ શૅર કરવાનો પણ આરોપ હતો. એથિક્સ સમિતિએ આ આરોપોને સાચા ગણાવ્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આ ગૃહ સાંસદ મહુઆ મોઈત્રાનું આચરણ સાંસદ તરીકે અનૈતિક અને અશોભનીય હોવા અંગે સમિતિના આકલનનો સ્વીકાર કરે છે. તેમનું સાંસદપદે જળવાઈ રહેવું યોગ્ય નથી.મહુઆ મોઈત્રાને વિપક્ષનું પણ સમર્થન મળ્યું હતું. વિપક્ષના નેતાઓએ મહુઆની હકાલપટ્ટીના નિર્ણયની આકરી ટીકા કરી હતી અને ધ્વની મતદાનમાંથી વોકઆઉટ કર્યું હતું.
રિપોર્ટ રજૂ થયા પછી સંસદમાં વિરોધ પક્ષના સાંસદોએ ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી ૨.૦૦ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતા અધ્યક્ષ ઓમ બિરલાએ તેના પર ચર્ચા માટે સમય આપ્યો. આ દરમિયાન કોંગ્રેસ સાંસદે સવાલ કર્યો કે મહુઆ મોઈત્રા પર પગલાં લેવાની આટલી ઉતાવળ શા માટે છે? કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, મહુઆને તેમનો પક્ષ રજૂ કરવાની પૂરી તક મળવી જોઈએ. સમિતિ કેવી રીતે નક્કી કરી શકે કે સાંસદને કઈ સજા આપવી જોઈએ? તેનો નિર્ણય ગૃહ કરશે. આ ન્યાયના અધિકાર વિરુદ્ધ છે.
એથિક્સ સમિતિના રિપોર્ટ અંગે ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સ્પીકરને અપીલ કરી કે સાંસદોને રિપોર્ટ વાંચવા માટે ૩-૪ દિવસનો સમય મળવો જોઈએ. જેથી તેઓ ચર્ચા માટે તૈયાર થઈ શકે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ પણ માગ કરી હતી કે મહુઆને ગૃહમાં બોલવાની તક મળવી જોઈએ. તેમને સાંભળ્યા વિના નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે તેવો પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
ભાજપ સાંસદ હિના ગાવિતે કહ્યું હતું કે, મહુઆએ નાણાં લઈને સવાલ પૂછ્યા છે. મહુઆને તેમની વાત રજૂ કરવા માટે પૂરી તક અપાઈ હતી. મેં બે કલાકમાં આખો રિપોર્ટ વાંચ્યો છે. મહુઆએ કબૂલ્યું છે કે તેમણે પોતાનું આઈડી અને પાસવર્ડ હિરાનંદાનીને આપ્યા હતા. આ ઘટનાના કારણે સંપૂર્ણ ગૃહ અને સાંસદોની છબી દેશ અને દુનિયાભરમાં ખરાબ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, આવું પહેલી વખત નથી થતું વર્ષ ૨૦૦૫માં પણ જે દિવસે રિપોર્ટ આવ્યો હતો તે જ દિવસે ૧૦ સાંસદોની હકાલપટ્ટી કરાઈ હતી.
આ પહેલાં ગૃહમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલાં સંસદ ભવન પહોંચેલા મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે, મા દુર્ગા આવી ગઈ છે, હવે જોઈશું... જ્યારે મનુષ્યનો નાશ થવાનો હોય છે ત્યારે તેનો વિવેક સૌથી પહેલાં મરી જાય છે. તેમણે એથિક્સ સમિતિ સમક્ષ તેમની પૂછપરછને દ્રૌપદીના વસ્ત્રહરણ સાથે અને પોતાને મા દુર્ગા સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું કે હવે તમે મહાભારતનું રણ જોશો. જોકે, મહુઆને જવાબ આપતાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે, વસ્ત્રહરણ દ્રૌપદીનું થયું હતું, શૂર્પણખાનું નહીં. આ કેસમાં મહાભારત નહીં થાય. મહાભારતના કૃષ્ણ અને અર્જુન - પીએમ મોદી અને અમિત શાહ તો આ બાજુ છે. મહાભારત ધર્મના રક્ષણ માટે થયું હતું. મહુઆએ અધર્મ કર્યો છે.
વિનોદ કુમાર સોનકરના અધ્યક્ષપદવાળી સમિતિએ ૯ નવેમ્બરે એક બેઠકમાં 'કેશ ફોર ક્વેરી'ના આરોપો પર મહુઆ મોઈત્રાની લોકસભામાંથી હકાલપટ્ટી કરવાની ભલામણ કરતો રિપોર્ટ તૈયાર કર્યો હતો. સમિતિના ૬ સભ્યોએ રિપોર્ટની તરફેણમાં અને વિપક્ષના ચાર સભ્યોએ અસહમતિ નોંધ રજૂ કરી હતી. મહુઆ મોઈત્રા પર સંસદમાં મોદી સરકારની ટીકા કરતા અને અદાણી અંગેના સવાલો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી બે કરોડ રૂપિયા અને લક્ઝરી ગીફ્ટ સહિતની લાંચ લેવાના આરોપ છે. લોકસભામાં ભાજપના સભ્ય નિશિકાંત દુબેની ફરિયાદના આધારે સમિતિએ મહુઆ મોઈત્રાની પૂછપરછ અને સમીક્ષા કરી હતી. મહુઆ મોઈત્રાએ લાંચ લેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ તેમના સંસદના એકાઉન્ટના લોગ-ઈન અને પાસવર્ડ હિરાનંદાનીને આપ્યાની કબૂલાત કરી હતી.
સાંસદપદ રદ થતાં મહુઆ મોઈત્રાનો બળાપો
'આ ભાજપના અંતની શરૂઆત છે, સંસદ કાંગારુ કોર્ટ સમાન'
- સમિતિએ બધા નિયમો તોડયા, સમિતિનું આકલન માત્ર બે વ્યક્તિની જુબાની પર નિર્ભર : મહુઆ
તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાની કેશ ફોર ક્વેરીના કેસમાં સાંસદપદેથી હકાલપટ્ટી કરાઈ છે. સાંસદપદ ગુમાવતા તૃણમૂલ સાંસદે કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે આ ભાજપના અંતની શરૂઆત છે. સાથે જ તેમણે સંસદને કાંગારુ કોર્ટ ગણાવી હતી.
સાંસદપદેથી હકાલપટ્ટી પછી ૪૯ વર્ષીય મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે, આ મોદી સરકાર વિચારતી હોય કે મને ચૂપ કરાવીને તે અદાણી મુદ્દાને ખતમ કરી નાંખશે તો હું તમને જણાવી દઉં છું કે આ કાંગારુ કોર્ટે આખા ભારતમાં માત્ર એ જ બતાવ્યું છે કે તમે જે ઉતાવળ અને પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે, તે દર્શાવે છે કે અદાણી તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે અને તમે એક મહિલા સાંસદને સમર્પણ કરતાં રોકવા માટે તેને કઈ હદ સુધી પરેશાન કરશો.
તેમણે ઉમેર્યું કે એથિક્સ સમિતિ પાસે સાંસદની હકાલપટ્ટી કરવાનો કોઈ અધિકાર નથી. એથિક્સ સમિતિ અને તેના રિપોર્ટે બધા જ નિયમો તોડયા છે. આ સમિતિનું આકલન માત્ર બે વ્યક્તિની લેખિત જુબાની પર આધારિત છે, જેમના કથન હકીકતમાં એકબીજાથી વિરોધાભાસી છે. મહુઆએ દાવો કર્યો કે મને જે આચાર સંહિતાના ભંગ માટે દોષિત ગણાવાઈ છે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. આચાર સમિતિ મને એ બાબતનો દંડ આપી રહી છે, જે લોકસભામાં સામાન્ય, સ્વીકૃત છે તથા જેને પ્રોત્સાહન અપાય છે. મહુઆ મોઈત્રાની હકાલપટ્ટીનો પ્રસ્તાવ ગૃહમાં બહુમતથી પસાર થઈ ગયો હતો. આ સમયે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે વોકઆઉટ કર્યો હતો અને વિપક્ષના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા સામે દેખાવો કર્યા હતા.
બંધારણના જાણકારો મુજબ મહુઆ મોઈત્રા પાસે હવે પાંચ વિકલ્પ છે. જોકે તેનાથી તેમને કેટલી રાહત મળશે તે કહી શકાય તેમ નથી. મહુઆ મોઈત્રા ગૃહને આ નિર્ણયની સમીક્ષા કરવા વિનંતી કરી શકે છે. જોકે, આ અંગે પુનર્વિચાર કરવો કે નહીં તે ગૃહના વિવેક પર નિર્ભર છે. બીજો વિકલ્પ મૌલિક અધિકારો અને પ્રાકૃતિક ન્યાયના ભંગના સિમિત મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં કેસ કરી શકે છે. ત્રીજો વિકલ્પ ગૃહના નિર્ણયનો સ્વીકાર કરી ચાર મહિના પછી ફરી ચૂંટણી લડવાનો છે. તેઓ એથિક્સ સમિતિના અધિકાર ક્ષેત્રને કોર્ટમાં પડકારી શકે છે. વધુમાં દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલા માનહાનીના કેસના માધ્યમથી રાહત મેળવી શકે છે.