'કેશ ફોર કવેરી કેસ' સીબીઆઈના મહુઆ મોઈત્રાનાં નિવાસ સ્થાનોએ એક સાથે દરોડા
- મહુઆ મોઈત્રાને આ કારણસર જ લોકસભાના અધ્યક્ષે લોકસભાનાં સાંસદપદેથી દૂર કર્યા હતા
નવી દિલ્હી : સીબીઆઈએ તૃણમૂલ કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાનાં કોલકત્તા અને નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાનોએ આજ સવારથી એક સાથે દરોડા પાડયા હતા.
'કેશ ફોર કવેરી' કેસમાં સપડાયેલાં મહુઆ મોઈત્રાને લોકસભાના અધ્યક્ષે તે કારણસહજ ગત વર્ષે લોકસભાનાં સાંસદપદેથી દૂર કર્યા હતા, તે સર્વવિદિત છે.
આ પૂર્વે ગુરૂવારે સીબીઆઈએ મહુઆ મોઈત્રા સામે આ ષડયંત્ર માટે એક એફઆઈઆર પણ નોંધાવી હતી. તે પછી 'લોકપાલ' સમક્ષ રજૂઆત કરી સીબીઆઈએ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ આ પગલું ભર્યું હતું.
આ આદેશ આપતાં લોકપાલે લખ્યું હતું કે 'રેકોર્ડમાં દર્શાવેલી તમામ હકીકતોનું મૂલ્યાંકન કરી તે વિષે સઘન વિચારણા કરતાં ખાતરી થઈ છે કે રીસ્પોન્ડન્ટ પબ્લિક સર્વન્ટ એક્ટ નીચે મહુઆ મોઈત્રા ઉપર મુકાયેલા આરોપો સબળ છે. તેથી તે અંગે વધુ સત્ય જાણવા ઊંડી તપાસ કરવી અનિવાર્ય છે.'
આ પછી સીબીઆઈએ મહુઆ મોઈત્રાના કોલકત્તા અને દિલ્હી સ્થિત નિવાસ સ્થાનોએ આજ સવારથી એકી સાથે દરોડા પાડી તપાસ શરૂ કરી છે.
આ કેસની વિગત તેવી છે કે, મહુઆ મોઇત્રાએ ગૃહમાં કેટલાક પ્રશ્નો પૂછવા માટે શ્રીમંત વ્યાપારી દર્શન હીરાનંદાની પાસેથી સારી એવી રકમ મેળવી હતી. આ ઉપરાંત તેઓએ તે વ્યાપારીને 'પાર્લામેન્ટરી લોગિન કેન્ડેશ્યલ્સ પણ આપ્યા હોવાનો તેઓની ઉપર આરોપ છે.' પરંતુ મહુઆ મોઈત્રાએ તે આરોપો ઊભા કરેલા છે તેમ કહેતાં જણાવ્યું કે તે આરોપો ખોટા છે. વાસ્તવમાં તેઓએ પાર્લામેન્ટનાં ઓફીશ્યલ પોર્ટલ ઉપર તેમના પ્રશ્નો ટાઇપ કરવા તે વ્યાપારીના કર્મચારીઓને આપ્યા હતા તે માટે તેમણે પાર્લામેન્ટરી કેન્ડેશ્યલ્સ (સંસદીય પ્રમાણપત્રો) થોડા સમય પૂરતાં આપ્યા હતા.