મોદી સરકારના મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું છે મામલો
FIR Against Giriraj Singh: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં બિહારની કિશનગંજ કોર્ટમાં FIR દાખલ કરી છે. AIMIMના વકીલનું કહેવું છે કે, ગિરિરાજ સિંહે પોતાના કિશનગંજ પ્રવાસ દરમિયાન ઘણી જાહેર સભાઓમાં એવા નિવેદનો આપ્યા હતા, જેના કારણે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ શકે છે અને સ્થાનિક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
AIMIMએ ગિરિરાજ સિંહ સામે મોરચો ખોલ્યો
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગિરિરાજ સિંહે ઈરાદા પૂર્વક આવા ભાષણો આપ્યા હતા જે હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ વધારી શકે છે અને સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે. વકીલે કહ્યું કે, ગિરિરાજ સિંહના નિવેદનથી અહીંની શાંતિ અને ભાઈચારાને અસર થઈ છે અને તેમણે એક સમુદાયને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: ભયાનક યુદ્ધના ભણકારા? ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધતાં તણાવના કારણે ત્રણ દેશે બંધ કરી એરસ્પેસ
ગંભીર આરોપ લગાવ્યા
AIMIMના કાર્યકર્તા અને વકીલ શમ્સ આઝાદે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ દાખલ ફરિયાદમાં કહ્યું કે, ગિરિરાજ સિંહનું નિવેદન, જેમાં તેમણે મુસ્લિમો પર મંદિર તોડવાનો આરોપ લગાવ્યો હતો, તે એક ભડકાઉ અને રમખાણો ફેલાવનારું નિવેદન છે. શમ્સ આઝાદે દાવો કર્યો કે, આવા નિવેદનથી સમાજમાં ખોટો સંદેશ જશે અને સાંપ્રદાયિક તણાવ વધી શકે છે.
આ કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
ગિરિરાજ સિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 196, 197, 199 અને 302 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.આ સાથે જ વિડિયો પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ ફરિયાદ AIMIM નેતા ઈમ્તિયાઝ આલમ તરફથી દાખલ કરવામાં આવી છે. જેમાં ગિરિરાજ સિંહના નિવેદનોને દેશમાં શાંતિ અને સૌહાર્દને નુકસાનક પહોંચાડનારા ગણાવ્યા છે.
જાણો સમગ્ર મામલો
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની 'હિન્દુ સ્વાભિમાન યાત્રા' જે 18 ઓક્ટોબરે ભાગલપુરથી શરૂ થઈ હતી. કટિહાર, પૂર્ણિયા અને અરરિયા થઈને 22 ઓક્ટોબરના રોજ કિશનગંજ પહોંચી હતી. આ દરમિયાન તેમણે જાહેર સભાઓને સંબોધિત કરી અને બાંગ્લાદેશી ઘૂસણખોરી અને અન્ય મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા. હવે AIMIM નેતાઓએ તેમના નિવેદનો સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, તેમના આ નિવેદનો સમાજમાં સાંપ્રદાયિક વિભાજનને પ્રોત્સાહન આપનારા છે. આ કારણોસર AIMIM નેતાઓએ કિશનગંજ કોર્ટમાં ગિરિરાજ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં તેમના નિવેદનોને ભડકાઉ અને સાંપ્રદાયિક સૌહાર્દને અસર કરતા ગણાવ્યા છે.