કન્ટેનર ટ્રક પલટી મારી જતાં કાર કચડાઈ, કર્ણાટકમાં ભીષણ માર્ગ અકસ્માતમાં 6ને કાળ ભરખી ગયો
Karnataka Nelamangala Accident : કર્ણાટકમાં એક કન્ટેનર ટ્રક કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. નેલમંગલામાં એક કન્ટેનર ટ્રક એક કાર પર પલટી મારી જતાં છ લોકોના મોત થયા હતા. આ અંગે વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે, આ ઘટના બેંગલુરુની બહાર તાલેકેરે નજીક બની હતી. જેમાં એક મોટા કાર્ગો કન્ટેનર છ લોકોને લઈને જતી કાર પર પલટી મારી ગયું હતુ.
અકસ્માતને કારણે નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, મૃતકની તાત્કાલિક ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના શનિવારે બપોરે નેશનલ હાઈવે-4 પર બની હતી. કથિત રીતે ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર કાર પર પડી ગયું હતું.
મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે કહ્યું કે, નેલમંગલા પોલીસ રેન્જ ઓફિસરે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બેંગલુરુ-તુમકુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નેલમંગલામાં બેગુરુ નજીક કેન્ટર અને કાર વચ્ચેના વાહન અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.