Republic Day: શહીદ કેપ્ટન અંશુમનને મરણોત્તર કીર્તિ ચક્ર, જાણો સિયાચીન ગ્લેશિયરના બંકરમાં સૈનિકોને બચાવવાની કહાની
સિયાચીન ગ્લેશિયરમાં 19 જુલાઈ 2023 ના રોજ બંકરમાં આગ લાગી હતી
પોતાના જીવનું બલિદાન આપીને, તેણે તેના સાથીઓનો જીવ બચાવ્યો
Kirti Chakra, Captain Anshuman Singh: ભારતનો બીજો સર્વોચ્ચ શાંતિ વીરતા પુરસ્કાર કીર્તિ ચક્ર છે. ગણતંત્ર દિવસના અવસર પર ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી અમર શહીદ કેપ્ટન અંશુમન સિંહને મરણોત્તર 'કીર્તિ ચક્ર' એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ આ વીરતા પુરસ્કાર મેળવનાર દેવરિયા જિલ્લાના પ્રથમ શહીદ છે.
પોતાના જીવનું બલિદાન આપીને, તેણે તેના સાથીઓનો જીવ બચાવ્યો
19 જુલાઈ 2023 ના રોજ સિયાચીન ગ્લેશિયરમાં બંકરમાં અચાનક આગ લાગી હતી. જેથી કેપ્ટન અંશુમન સિંહ સૈનિકોને બચાવવા બંકરમાં પ્રવેશ્યા હતા. જેમાં તેમણે ચાર સૈનિકોને સુરક્ષિત બહાર કાઢ્યા પરંતુ તે દરમિયાન તેઓ પોતે અંદર ફસાઈ ગયા. તેઓ એટલા ગંભીર રીતે દાઝી ગયા હતા કે એમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
મરણોત્તર કીર્તિ ચક્ર મળતા તેમના પિતાએ કહ્યું....
શહીદના પિતા રવિ પ્રતાપ સિંહ (સેનામાં સુબેદારના પદ પરથી નિવૃત્ત)એ કહ્યું કે, 'ભારત સરકારે તેમના પુત્રને યોગ્ય સન્માન આપ્યું છે. એક પિતા માટે તેના પુત્રની ખોટથી મોટું કોઈ દુઃખ નથી, પરંતુ આજે મને ગર્વ છે કે તેણે જે બહાદુરીથી દેશની સેવામાં પોતાનું જીવનું બલિદાન આપ્યું. કારણ કે, હું પણ સૈનિક રહ્યો છું. એક સૈનિક માટે ત્રિરંગામાં લપેટાઈને પાછા આવવું એ મોક્ષ સમાન છે.'
રવિ પ્રતાપ સિંહે કહ્યું કે, 'કેપ્ટન અંશુમન પરમધામ ગયો છે. દરેક વ્યક્તિએ આ દુનિયા છોડીને જવાનું છે, પરંતુ જે કાર્યો કરીને તે ગયો છે, જે બહાદુરીથી તેણે દેશની સેવા કરી છે તે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેમણે અમારા પરિવાર, અમારા વિસ્તાર અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. હું તેના પિતા તરીકે ખૂબ જ ગર્વ અનુભવું છું.'
અંશુમનના પરિવારમાં કોણ કોણ છે?
અંશુમનના પિતા દેવરિયા જિલ્લાના લાર પોલીસ સ્ટેશનના ગામ બરદિહા દલપતના રહેવાસી રવિ પ્રતાપ સિંહ સેનામાં સુબેદારના પદ પરથી નિવૃત્ત છે. માતા મંજુ સિંહ છે. તેમજ અંશુમનને એક ભાઈ અને એક બહેન છે. અંશુમન સિંહ (27) એએફએમસી હેઠળ સેનામાં જોડાયા હતા અને 26 પંજાબ રેજિમેન્ટમાં મેડિકલ ઓફિસર હતા. તેમનું પોસ્ટિંગ સિયાચીન ગ્લેશિયરમાં હતું. આ ઘટનાના થોડા મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા અને તેમની શહીદીના સમાચારના કારણે પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. હવે જ્યારે તેમને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે પિતા રવિ પ્રતાપ સિંહ અને માતા મંજુ સિંહ સહિત સમગ્ર પરિવાર અને વિસ્તાર ગર્વ અનુભવી રહ્યો છે.