Get The App

વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે ના બેસી રહો, ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કડકાઈ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે ના બેસી રહો, ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કડકાઈ 1 - image


Image Source: Twitter

ઉત્તરાખંડના જંગલોમાં આગ રોકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે હાથ પર હાથ ધરીને ન બેસી રહેવાય. સરકારે કંઈક અસરકારક રીતે કરવું પડશે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારના વકીલે આગની વધતી જતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તેના પર તાત્કાલિક લગામ કસવા માટે સરકારને આદેશ આપવાની વિનંતી કરી હતી.

વકીલે કહ્યું કે, બે વર્ષ પહેલા પણ એનજીટીમાં અરજી કરવામાં આવી હતી. સરકારે અત્યાર સુધી તેના પર કોઈ કાર્યવાહી નથી કરી. એટલા માટે મારે અહીં આવવું પડ્યું. આ મામલો આખા ભારતનો છે. ઉત્તરાખંડ તેનાથી વધુ પીડિત છે. સરકાર દ્વારા જંગલમાં લાગેલી આગની ઘટનાઓ અને તેને કાબૂમાં લેવાનાં પગલાંની વિગતો આપી હતી.

સરકાર જેટલી શાંતિથી વિગતો આપે છે, સ્થિતિ તેનાથી વધુ ગંભીર 

સરકારે કહ્યું કે, અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની 398 ઘટના નોંધાઈ છે. 350થી વધુ ગુનાહિત કેસ નોંધાયા છે જેમાં 62 લોકોના નામ છે. 298 અજાણ્યા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલુ છે. કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. 

અરજદારે કહ્યું કે, સરકાર જેટલી આરામથી વિગતો આપી રહી છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની સાથે-સાથે આસપાસ રહેતા લોકોના અસ્તિત્વને પણ ગંભીર ખતરો છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે શું આપણે આમાં CEC એટલે કે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીને પણ સામેલ કરી શકીએ?

વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે બેસી ના રહેવાય

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે, તમે જોયું જ હશે કે મીડિયામાં જંગલમાં લાગેલી આગની કેવી ભયાનક તસવીરો આવી રહી છે. રાજ્ય સરકાર શું કરી રહી છે? ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ અંગે જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું કે વરસાદ અને ક્લાઉડ સીડિંગના ભરોસે ન બેસી રહેવાય. સરકારે આગળ વધીને તાત્કાલિક અસરકારક પગલાં લેવા પડશે.

વારંવાર લાગતી આગ અંગે ઉત્તરાખંડ સરકારે શું કહ્યું?

ઉત્તરાખંડ સરકારે કહ્યું કે હમણા બે મહિના આગની સિઝન રહે છે. દર ચાર વર્ષે જંગલમાં ભીષણ આગનો દોર આવે છે. ત્યારબાદ આગામી વર્ષોમાં આગની ઘટનામાં ઘટાડો નોંધાઈ છે. ચોથા વર્ષે ફરી તેમાં વધારો થાય છે. કોર્ટે કહ્યું કે આ મામલે અમારે જોવું પડશે કે સેન્ટ્રલ હાઈ પાવર્ડ કમિટીને કેવી રીતે સામેલ કરી શકાય. હવે કોર્ટ આગામી સુનાવણી 15 મેના રોજ કરશે.

આગના કારણે 1,145 હેક્ટર જંગલ બળીને ખાખ

ઉત્તરાખંડમાં નવેમ્બરથી અત્યાર સુધીમાં 900થી વધુ આગની ઘટનાઓ ઘટી છે. આ વખતે મામલો વધુ ગંભીર છે કારણ કે ગત વર્ષે લાગેલી આગ ઓલવાઈ નથી રહી. આંકડા પ્રમાણે છેલ્લા છ મહિનામાં જંગલમાં લાગેલી આગના કારણે 1,145 હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચૂક્યું છે. આગની અસર હવે શહેરમાં પણ જોવા મળી રહી છે. ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. આ દરમિયાન તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરફોર્સના હેલિકોપ્ટર પણ અલગ-અલગ ટેકનિકનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



Google NewsGoogle News