Get The App

વધારે ભારણ છે એમ કહીને છટકી ન શકાય: મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુ પર હાઈકોર્ટની સરકારને લપડાક

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વધારે ભારણ છે એમ કહીને છટકી ન શકાય: મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુ પર હાઈકોર્ટની સરકારને લપડાક 1 - image


નવી મુંબઇ,તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર

મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી દર્દીઓનો મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે.મહારાષ્ટ્રના નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 

બોમ્બે હાઈકોર્ટે આ ઘટનાને લઇને કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુને ટાળી શકે નહીં. બંને શહેરોમાં 20થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યાના કેસ નોંધાયા છે. વિપક્ષે આ મુદ્દે સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે કહ્યું, '  અમારા પર બોજ છે તેમ કહીને તમે છટકી શકતા નથી, તમે એક રાજ્ય છો. તમે તમારી જવાબદારીઓને પ્રાઇવેટ પ્લેયરને ન સોંપી શકો.

તેમણે આગળ કહ્યું, 'તેને કેવી રીતે મજબૂત બનાવવું? આ માહિતી પેપરમાં ઉપલબ્ધ છે. પરંતુ જો આના પર કામ જ ન થાય તો તેનો કોઈ અર્થ નથી. 

હાઈકોર્ટ દ્વારા આ ઠપકો એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે સરકાર હોસ્પિટલમાં દવાઓ, બેડની અછત વગેરેની વાત કરી રહી છે.

NHRC એ સરકારને નોટિસ પણ મોકલી 

મહારાષ્ટ્રના એડવોકેટ જનરલે કહ્યું કે, હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા મૃત્યુ મોટા પાયે બેદરકારીના કારણે થયા હોય તેવું લાગતું નથી. 

એડવોકેટ જનરલે કહ્યું કે, 'એવું લાગતું નથી કે હોસ્પિટલો દ્વારા કોઈ મોટી બેદરકારી કરવામાં આવી હોય. તે દુઃખદ છે કે, અહીં જે કંઈ થયું અને પછી લોકો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્ર સરકારને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) તરફથી દર્દીઓના મૃત્યુ અંગે નોટિસ પણ મળી છે. સરકાર પાસેથી ચાર સપ્તાહમાં જવાબ પણ માંગવામાં આવ્યો છે.

આ ઘટના અંગે ડૉક્ટરોએ કહ્યું કે, આ દર્દીઓના મૃત્યુનું કારણબેડની અછત, સ્ટાફ અને આવશ્યક દવાઓનો અભાવ છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કારણોને સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ મામલે વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી રાજ્યમાં આરોગ્ય પર ખર્ચવામાં આવેલી રકમની વિગતો પણ માંગી છે.


Google NewsGoogle News