કેસ ચાલતો હોય તો PMLA હેઠળ ધરપકડ કરી ન શકાય : સુપ્રીમ
- ઈડીની મનમાની ધરપકડ સામે સુપ્રીમની લગામ
- આરોપીની ધરપકડ માટે ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડશે, કોર્ટને પૂછપરછ માટે જરૂરી જણાશે તો જ મંજૂરી આપશે
- ઈડી આરોપીની ધરપકડ કરવા કલમ 19 હેઠળની શક્તિઓનો ઉપયોગ કરી શકે નહીં
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પીએમએલએ હેઠળ મનમાની રીતે ધરપકડ કરવામાં આવતી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આવા સમયે સુપ્રીમ કોર્ટે ઈડી દ્વારા પીએમએલએ હેઠળ કરવામાં આવતી મનમાની ધરપકડ પર ગુરુવારે લગામ લગાવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે, સ્પેશિયલ કોર્ટ દ્વારા ફરિયાદ પર ધ્યાનમાં લેવામાં આવ્યા પછી ઈડી પીએમએલએની કલમ ૧૯ હેઠળ કોઈ આરોપીની ધરપકડ કરી શકે નહીં. સુપ્રીમે ૩૦ એપ્રિલે આ કેસમાં તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઈડી આવા ગુનેગારોની ધરપકડ કરવા માગતી હોય તો તેણે ધરપકડ માટે સંબંધિત કોર્ટમાં અરજી કરવાની રહેશે. કોર્ટ ઈડીની વાતથી સંતુષ્ટ થાય તો તેને અટકાયતમાં પૂછપરછની જરૂર હોય તો તે અટકાયત આપી શકે છે. ન્યાયાધીશ અભય એસ. ઓક અને ઉજ્જવલ ભુઈયાની બેન્ચે પીએમએલએ હેઠળ ધરપકડની ઈડીના પાવર પર આજે ચૂકાદો સંભળાવ્યો હતો.
કલમ ૪૪ હેઠળ એક ફરિયાદના આધારે પીએમએલએની કલમ ૪ હેઠળ દંડનીય ગુનાને ધ્યાનમાં લીધા પછી ઈડી અને તેના અધિકારી ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયેલી વ્યક્તિની ધરપકડ કરવા માટે કલમ ૧૯ હેઠળની શક્તિઓનો ઉપયોગ કરી શકે નહીં. પીએમએલએની જોગવાઈઓને સ્પષ્ટ કરતા સુપ્રીમે કહ્યું કે, કોઈ કેસમાં ઈડીએ કોઈ આરોપીની ધરપકડ કર્યા વિના આરોપનામું દાખલ કર્યું હોય અને કોર્ટ તેને ધ્યાનમાં લઈને સમન પાઠવે તો આવી વ્યક્તિએ પીએમએલએ હેઠળ જામીન માટે બેવડી શરતો પૂરી કરવી જરૂર નથી. આરોપી સમન (કોર્ટ દ્વારા) દ્વારા વિશેષ કોર્ટ સમક્ષ હાજર થાય તો તેની અટકાયત કરાઈ છે તે માની શકાય નહીં.
ઈડીના અધિકારીઓએ આ ગુનાની આગળની તપાસ માટે સમન પછી હાજર થતા આરોપીની ધરપકડ કરવી હોય તો તેમણે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરીને આરોપીની અટકાયતની માગ કરવી પડશે. એટલું જ નહીં આરોપીને સાંભળ્યા પછી સ્પેશિયલ કોર્ટમાં કારણો જણાવ્યા પછી અરજી પર કોર્ટે આદેશ આપવાનો રહેશે. આરોપીની કલમ ૧૯ હેઠળ ક્યારેય ધરપકડ ના કરાઈ હોય તો પણ કોર્ટ આદેશ આપી શકે છે. જોકે, કોર્ટ માત્ર એ કારણો સાથે જ અટકાયત આપશે, જે સંતોષજનક હોય અને જેમાં અટકાયત કરીને પૂછપરછની જરૂર હોય.
પીએમએલએની કલમ ૪૫ મુજબ મની લોન્ડરિંગ કેસમાં કોઈ આરોપીની બે શરતો પૂરી થતી હોય તો જ તેને જામીન મળી શકે છે, જેમાં પ્રથમ દૃષ્ટિએ સંતુષ્ટી થવી જોઈએ કે આરોપીઓ ગુનો નથી કર્યો. વધુમાં તેના જામીન પર મુક્ત રહેતા કોઈ ગુનો કરવાની સંભાવના નથી.
કેન્દ્ર સરકાર પર વિપક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગનો આરોપ લગાવે છે. આ કાયદો અટલ બિહારી વાજપેયીની સરકારમાં વર્ષ ૨૦૦૨માં બન્યો હતો, પરંતુ તેનો અમલ મનમોહનસિંહની સરકારમાં થયો હતો. અત્યાર સુધીમાં આ કાયદામાં અનેક વખત સુધારા કરાયા છે. આ કાયદાનો માત્ર કાળા નાણાંને રોકવાનો એક જ ઉદ્દેશ્ય હતો. પીએમએલએ કાયદા હેઠળ સૌથી પહેલી ધરપકડ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની કરાઈ હતી. વર્ષ ૨૦૧૦ પછી ટુજી કૌભાંડ, કોલસા કૌભાંડ સહિત અનેક મોટા કૌભાંડો થયા અને પીએમએલએ કાયદા હેઠળ નેતાઓ પર સકંજો કસાતો ગયો. વર્ષ ૨૦૧૨માં તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે આ કાયદામાં સુધારો કરીને તેને વધુ કડક બનાવ્યો હતો.