પાંચમા તબક્કામાં આ બેઠકો પર સૌની નજર, અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાને
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈ-પ્રોફાઈલ ચહેરાઓનો સમાવેશ થાય છે. આજે અનેક દિગ્ગજનોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ત્યારે સૌની નજર આ બેઠકો પર રહેશે.
પાંચમા તબક્કામાં 49 બેઠકો પર 695 ઉમેદવારો ચૂંટણીના મેદાને
લોકસભા 2024ની ચૂંટણીમાં સાત તબક્કામાંથી ચાર તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે હવે પાંચમા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. જેમાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. આ રાજ્યોમાંથી 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
રાજનાથસિંહ લખનઉથી ચૂંટણી લડી રહ્યા છે
ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા બેઠક આ ચૂંટણીમાં લોકપ્રિય બેઠક બની રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજનાથ સિંહે આ બેઠક જીતી હતી. 2019માં આ બેઠક પર 54.78 ટકા મતદાન નોંધાયું હતું. સમાજવાદી પાર્ટી (SP)એ રવિદાસ મેહરોત્રાને જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ સરવર મલિકને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.
રાયબરેલીથી રાહુલ ગાંધી ચૂંટણીના મેદાને
ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે. રાજ્યની આ એકમાત્ર બેઠક છે જ્યાં 2019માં કોંગ્રેસ જીતી હતી. ત્યારે સોનિયા ગાંધી અહીંથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. સોનિયા હવે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અહીં દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. MLC દિનેશ પ્રતાપ હાલમાં યોગી સરકારમાં મંત્રી છે. 2019માં કોંગ્રેસના સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પર ભાજપના દિનેશ પ્રતાપને હરાવ્યા હતા. ગત ચૂંટણીમાં અહીં 54.08 ટકા મતદાન થયું હતું.
અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે કેએલ શર્મા
કેન્દ્રીય મંત્રી અને અમેઠીના હાલના સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના કેએલ શર્માને આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. બસપાએ અહીં નન્હે સિંહ ચૌહાણને પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. 2019માં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં 54.08 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
હાજીપુર બેઠક બિહારની લોકપ્રિય બેઠકમાંથી એક
બિહારની હાજીપુર લોકસભા બેઠક આ ચૂંટણીની લોકપ્રિય બેઠકોમાંથી એક છે. અહીંથી LJP (R)ના ચિરાગ પાસવાન NDA તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આરજેડીએ હાજીપુર બેઠક પર શિવચંદ્ર રામને ટિકિટ આપી છે. શિવચંદ્ર બિહાર સરકારમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એલજેપીના પશુપતિ પારસે હાજીપુર બેઠક પરથી જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં અહીં 55.26 ટકા મતદાન થયું હતું.
કશ્મીરની બારામુલા બેઠક ખાસ બની ગઈ
કાશ્મીરની ખીણમાં પહાડો પર બરફ પડી રહ્યો હોવા છતાં અહીં રાજકીય ગરમાવો છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કાશ્મીરની બારામુલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે આ બેઠક ખાસ બની ગઈ છે. ઓમરનો સામનો મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના ફૈયાઝ અહેમદ સામે છે. ગત ચૂંટણીમાં આ બેઠક નેશનલ કોન્ફરન્સના અકબર લોને જીતી હતી. 2019ની ચૂંટણીમાં અહીં 34.6 ટકા મતદાન નોંધાયું હતું.