દેશમાં આજ સુધી આટલા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી, છેલ્લી 3 લોકસભા ચૂંટણીમાં સરેરાશ 85 ટકાની જપ્ત
Candidate to loss Election Deposite: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે પણ હજી બીજા છ તબક્કાનું મતદાન બાકી છે. લોકો દ્વારા જે ઉમેદવારોને ઓછા વોટ આપવામાં આવે છે અથવા તો જે નેતાઓને ખાસ વોટ મળતા નથી તેમની શું સ્થિતિ થાય છે તે જાણવા જેવું છે.
ડિપોઝિટ જપ્ત (Deposite Forfeiture)
આવા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. નવાઈની વાત એવી છે કે દર વર્ષે અનેક ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જતી હોય છે પણ છતાં લોકો ચૂંટણી લડે છે અને મેદાનમાં ઉતરે છે.
દેશમાં લોકસભાની ચૂંટણીની જ વાત કરીએ તો પહેલી લોકસભા ચૂંટણીથી શરુ કરીને અત્યાર સુધીમાં કુલ 71,000 નેતાઓની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. તેમાંય વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તો 86 ટકા ઉમેદવારો એવા હતા જેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
1951-52થી 1992 સુધીની લોકસભા ચૂંટણીમાં ડિપોઝિટ જપ્તીનો ડેટા
ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલી લોકસભા ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. તે સમયે પણ 40 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ગત લોકસભામાં આ આંકડો 86 ટકા સુધી પહોંચી ગયો હતો. દેશના ઈતિહાસ ઉપર નજર કરીએ તો 1951ની પહેલી લોકસભા ચૂંટણથી શરુ કરીને 2019ની લોકસભા ચૂંટણી સુધીમાં દેશમાં 91,160 લોકોએ ઉમેદવારી કરી હતી. આ ઉમેદવારોમાંથી 71,246 લોકોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
1951-52માં દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં 1874 લોકો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી. તેમાંથી 745 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. અંદાજે 40 ટકા લોકોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.
1996નું વર્ષ તો ખૂબ જ મોટું સાબિત થયું હતું. તેમાં 91 ટકા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. ત્યારબાદ 1992ની લોકસભા ચૂંટણીમાં પણ 86 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
છેલ્લી ત્રણ લોકસભામાં સરેરાશ 85 ટકા ડિપોઝિટ જપ્ત
દેશમાં લોકસભાની ચૂંટણીઓમાં મોટાભાગે એક તરફી પરિણામો જોવા મળ્યા છે જેના કારણે અન્ય પક્ષોના અને અપક્ષોના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાના જ વારા આવ્યા છે. છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીના પરિણામ જોઈએ તો તેમાં પણ સરેરાશ 85 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
2009ની ચૂંટણીમાં 85 ટકાની ડિપોઝિટ જપ્ત થઈ હતી. તેવી જ રીતે 2014ની ચૂંટણીમાં 84 ટકા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી તો 2019માં 86 ટકા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.
ગત લોકસભાની વાત કરીએ તો તેમાં બહુજન સમાજવાદી પાર્ટીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી. બસપા દ્વારા 383 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. પરિણામો આવ્યા ત્યારે 343 બેઠકો ઉપર બસપાના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
ત્યારબાદ બીજા ક્રમે કોંગ્રેસના 421 ઉમેદવારોમાંથી 148ની ડિપોઝિટ ડૂલ થઈ હતી. સીપીઆઈના પણ 41 ઉમેદવારોને ગત લોકસભામાં ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
16 ટકાથી વધારે વોટ ન મળે તો રકમ જપ્ત થાય
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી આચરણ નિયમ-1961 હેઠળ ચોક્કસ બાબતો લાગુ કરવામાં આવેલી છે. તેમાં જણાવેલા નિયમ મુજબ દરેક ઉમેદવાર પાસેથી ચોક્કસ રકમ ચૂંટણી ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો પાસેથી 25,000 જ્યારે એસસી અને એસટી ઉમેદવાર પાસેથી 12,500 રૂપિયાની રકમ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણીઓમાં પણ સામાન્ય કેટેગરીના ઉમેદવાર પાસેથી 10,000 રૂપિયા જ્યારે એસસી અને એસટી ઉમેદવારો પાસેથી 5000 રૂપિયાની રકમ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. ચૂંટણીમાં ઉમેદવારો ગંભીરતાથી ઉમેદવારી કરે તે આશયથી જ આ ડિપોઝિટ લેવામાં આવે છે.
આ કારણોમાં ડિપોઝિટ પરત મળી રહે છે
ચૂંટણીમાં ઉમેદવારને કુલ વેલિડ વોટમાંથી 16.67 ટકા એટલે કે અંદાજે છઠ્ઠા ભાગના વોટ ન મળ્યા હોય તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે. જે ઉમેદવારોને તેનાથી વધારે વોટ મળે છે તેમને ડિપોઝિટ પરત કરી દેવામાં આવે છે. જે લોકો વિજયી બને છે કે હારી જાય છે તેમને પણ ડિપોઝિટ પરત કરી દેવાય છે.
જે લોકો નામ પાછું ખેંચી લે છે અથવા તો જેમનું ફોર્મ રદ થાય છે તેવા કિસ્સામાં પણ ડિપોઝિટ પાછી આપી દેવાય છે. માત્ર 16 ટકાથી ઓછા મત મળવાના કિસ્સામાં જ ડિપોઝિટ જપ્ત થતી હોય છે. તેમ છતાં 86 ટકા લોકોએ ડિપોઝિટ ગુમાવી છે.
ઘણી વખત રાષ્ટ્રીય પક્ષોને પણ મુશ્કેલી નડે છે
લોકસભાની ચૂંટણીઓ ઉપર નજર કરીએ તો ડિપોઝિટ જપ્ત થવામાં ક્યારેક રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારોને લાભ થયો છે તો ક્યારેક આ પક્ષોને પણ મુશ્કેલી નડી છે. સરેરાશ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો દ્વારા સારું જ પ્રદર્શન કરવામાં આવતું હોય છે. 1951-52ની લોકસભા ચૂંટણીમાં 1271 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના હતા તેમાંથી 344 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
આમ જોઈએ તો 28 ટકા ઉમેદવારોની ડિપોઝિટ ગઈ હતી. આ આંકડો થોડો સામાન્ય હતો. 1957ની લોકસભા ચૂંટણીમાં તેમાં સુધારો જોવા મળ્યો હતો. તે ચૂંટણીમાં 990 ઉમેદવારોમાંથી 113 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ આંકડો સરેરાશ અડધો થતાં 14 ટકા થઈ ગયો હતો.
1977 રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો માટે ડિપોઝિટ બચાવવાની બાબતમાં સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું હતું. તે વર્ષે લોકસભા ચૂંટણીમાં 1060 ઉમેદવારોમાંથી માત્ર 9 ટકા એટલે કે 100 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
બીજી તરફ 2009નું વર્ષ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો માટે કાળ જેવું બનેલું હતું. 2009માં રાષ્ટ્રીય પક્ષો દ્વારા 1623 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારાયા હતા તેમાંથી 779 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.