કેનેડાની અવળચંડાઈ! સૌથી વધુ ભારતીયોની કારણ વગર વિઝા અરજી કરી રદ, જાણો કોણે ખોલી પોલ

ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા જેટલી વિઝા અરજીઓ કેનેડિયન ઇમિગ્રેશનના સત્તાધીશોએ કોઈપણ કારણ વગર નકારી કાઢી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
કેનેડાની અવળચંડાઈ! સૌથી વધુ ભારતીયોની કારણ વગર વિઝા અરજી કરી રદ, જાણો કોણે ખોલી પોલ 1 - image


Why canada rejects indian students visa applications: કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની 50 ટકાથી વધુ વિઝા અરજીઓને ફગાવી રહ્યું છે. તેમાં પણ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી રહી છે. કેનેડિયન મીડિયાએ તાજેતરમાં એક વિશ્લેષણ બહાર પાડ્યું હતું, જે મુજબ ભારતીય વિદ્યાર્થીઓની 40 ટકા જેટલી વિઝા અરજીઓ કેનેડિયન ઇમિગ્રેશનના સત્તાધીશોએ કોઈપણ કારણ વગર નકારી કાઢી હતી. 

યુનિવર્સિટીઓમાં એડમિશન પણ મળી ગયા હતા અને પછી... 

નોંધનીય છે કે આ એવા વિદ્યાર્થીઓ છે જેમને વિચારણા હેઠળ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ પણ મળી ગયો હતો પરંતુ વિઝા રિજેક્ટ થવાને કારણે હવે કેનેડાની સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી વંચિત રહી જશે. માહિતી અનુસાર સરકારી યુનિવર્સિટીઓની તુલનામાં સરકારી કોલેજો અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટેની વિઝા અરજીઓ સૌથી વધુ ફગાવાઇ હતી. 

ઑન્ટારિયોમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

અહેવાલ અનુસાર 1 જાન્યુઆરી, 2022 થી 30 એપ્રિલ, 2023 વચ્ચે ઇમિગ્રેશન વિભાગે અભ્યાસ માટે અરજી કરનારા 866,206 અરજદારોમાંથી માત્ર 54.3 ટકા એટલે કે 470,427 અરજદારોને મંજૂરી આપી હતી. ઓન્ટારિયોમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. અહીં 1335 શૈક્ષણિક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે અધિકૃત કરવામાં આવી છે, પરંતુ અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી બની ગયેલી આ સમગ્ર સેકન્ડરી શિક્ષણ પ્રણાલીની એ કારણે ટીકા થઈ રહી છે કે તે અહીં કાયમી સ્થાયી થવાના સ્વપ્ન સાથે અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું શોષણ કરી રહી છે. 

વિઝા રદ થવા માટે કોઈ નક્કર કારણ ન જણાવાયા 

અહેવાલ મુજબ ભારતમાંથી લગભગ 40 ટકા વિદ્યાર્થીઓ એવા હતા જેમની વિઝા અરજીઓ 'અન્ય' અથવા 'અનિશ્ચિત' કારણોસર નકારી કાઢવામાં આવી હતી. કેનેડા સ્થિત એક  બિન-લાભકારી મીડિયા સંસ્થા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ફાઉન્ડેશને આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર કેનેડામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે. ડિસેમ્બર સુધીમાં ભારતના લગભગ 320,000 વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ વિઝા પર કેનેડા પહોંચ્યા હતા.

ભારતીયોની સૌથી વધુ વિઝા અરજીઓ નકારાઈ 

કેનેડાના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ફાઉન્ડેશન અનુસાર અત્યાર સુધીમાં ભારતીયોની કુલ 845,810 સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ કરવામાં આવી. તેમાંથી 336,251 વિઝા અરજીમાં તો રિજેક્ટ કરવાનું કારણ જ ન જણાવાયું. તેની તુલનાએ ચીનની અત્યાર સુધીમાં કુલ 145896 સ્ટુડન્ટ વિઝા અરજીઓ નકારાઈ હતી.  તેમાંથી માત્ર 4893 અરજીઓ જ કોઈ કારણ વગર નામંજૂર થઈ હતી.

કેનેડાની અવળચંડાઈ! સૌથી વધુ ભારતીયોની કારણ વગર વિઝા અરજી કરી રદ, જાણો કોણે ખોલી પોલ 2 - image


Google NewsGoogle News