'આતંકવાદનું કેન્સર જે હવે ખુદ પાકિસ્તાનને ખાઈ રહ્યું છે', પાડોશી દેશને એસ.જયશંકરનો આકરો સંદેશ
S Jaishankar Statement on Pakistan and China: મુંબઈમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'ભારત અને ચીન એક સાથે ઉભરી રહ્યા છે, જેના કારણે સંબંધોમાં સંતુલન જાળવવા માટે એક અનોખો પડકાર ઉભો થયો છે. અગાઉની આદર્શવાદી અને ગેરમાર્ગે દોરનારી નીતિઓ સહકાર અને સ્પર્ધામાં અવરોધરૂપ હતી, પરંતુ છેલ્લા દાયકામાં ભારતનો અભિગમ બદલાયો છે.' તેમણે કહ્યું કે, '2020ના સરહદ વિવાદે સંબંધોને જટિલ બનાવ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.'
વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારત-ચીન સંબંધોની જટિલતાઓ અને વ્યાપક ભૂ-રાજકીય ફેરફારોની ચર્ચા કરતા કહ્યું કે, 'અગાઉની સરકારોની આદર્શવાદી અને અવાસ્તવિક નીતિઓએ ચીન સાથે ન તો સહયોગને પ્રોત્સાહન આપ્યું કે ન તો સ્પર્ધાને. પરંતુ છેલ્લા 10 વર્ષમાં આ અભિગમ બદલાઈ ગયો છે. આપણે લાંબા ગાળાના સંબંધો વિકસાવવા પર પણ વિચાર કરવો જોઈએ.'
આ પણ વાંચો: 'મારી હત્યા જ થવાની હતી, 20-25 મીનિટ માટે બચી ગઈ..', બાંગ્લાદેશના પૂર્વ PMનો મોટો દાવો
ભારતની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓની ચર્ચા કરતા જયશંકરે કહ્યું કે, 'ભારતે ચીનની વધતી ક્ષમતાઓ દ્વારા ઉભા થતા પડકારો માટે તૈયાર રહેવું પડશે, ખાસ કરીને એવા પડકારો જે આપણા હિતોને સીધી અસર કરે છે. આ માટે રાષ્ટ્રીય શક્તિનો ઝડપી વિકાસ જરૂરી છે. જેમાં બોર્ડર પર સ્ટ્રક્ચર અને દરિયાઈ પરિઘની અવગણનાને સુધારવી પડશે. ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં નિર્ભરતા ઘટાડવી પડશે.'
'ભારત પોતાની તાકાત મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યું છે'
વિદેશ મંત્રીએ કહ્યું કે, 'ભારત પોતાની સંપૂર્ણ તાકાને મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યું છે. ભારતનો દૃષ્ટિકોણ ત્રણ પારસ્પરિક સિદ્ધાંત પર આધારિત છે. જેમાં એકબીજાનું સન્માન, એકબીજાની સંવેદનશીલતા અને એકબીજાના હિત. '
તેમણે કહ્યું કે, 'એશિયામાં બહુધ્રુવીયતાનો ઉદય વૈશ્વિક બહુધ્રુવીયતા માટે જરૂરી છે. ભારત-ચીન સંબંધોના લાંબા ગાળાના વિકાસની અસર માત્ર દ્વિપક્ષીય સંબંધો પર જ નહીં પરંતુ વૈશ્વિક વ્યવસ્થા પર પણ પડશે.'
વિદેશ મંત્રીનો પાકિસ્તાનને આકરો સંદેશ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બોર્ડર પાર આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થન પર આકરી ટિપ્પણી કરતા ક્ષેત્રિય સુરક્ષા પર આકરો સંદેશ આપ્યો. પાકિસ્તાનને આપણા પાડોશમાં અપવાદ ગણાવતા જયશંકરે કહ્યું કે, 'આતંકવાદ માટે તેમનું સમર્થન એક કેન્સર છે, જે હવે તેની પોતાની રાજનીતિક વ્યવસ્થાને ગળી રહ્યું છે. પાકિસ્તાનની હરકતો ન માત્ર તેમના પાડોશીઓને નુકસાન પહોંચાડે છે, પરંતુ સમગ્ર ઉપમહાદ્વીપને અસ્થિર કરે છે. ઉપમહાદ્વીપનું સંયુક્ત હિત છે કે પાકિસ્તાન આ દૃષ્ટિકોણનો ત્યાગ કરી દે.'
આ પણ વાંચો: ભૂતપૂર્વ પાક. પીએમ ઇમરાનને 14 અને બીબીને 7 વર્ષની સજા