'સંબંધ ત્યાં સુધી નહીં સુધરી શકે જ્યાં સુધી...', ભારતે પ્રધાનમંત્રીઓની બેઠકમાં ટ્રૂડોના દાવાને ફગાવ્યો
India - Canada News : લાઓસમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતે ભારતે આજે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના એ દાવાને ફગાવી દીધો હતો કે બેઠક દરમિયાન "કેનેડિયનોની સલામતી" પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ટ્રૂડો વચ્ચે વિએન્ટિયનમાં કોઈ નોંધપાત્ર ચર્ચા થઈ નથી."
કેનેડાની ધરતી પર ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અંગે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, "ભારતને આશા છે કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં અને કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. હિંસા, ઉગ્રવાદ અને આતંકવાદની હિમાયત કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે, જે અત્યાર સુધી નથી કરાઈ."
ઉત્તર અમેરિકન દેશમાં વધતા ઉગ્રવાદ અંગે કેનેડાને ચેતવણી આપતા સૂત્રોએ કહ્યું કે, "સંગઠિત અપરાધ, ડ્રગ સિન્ડિકેટ્સ અને માનવ તસ્કરી સાથેની એવી તાકાતો સાથે વધતી જતી સાંઠગાંઠ પણ કેનેડા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ."
કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી ન્યૂઝ) એ જસ્ટિન ટ્રૂડો અને પીએમ મોદીની મુલાકાતને "સંક્ષિપ્ત ચર્ચા" ગણાવી. સીબીસી ન્યૂઝ દ્વારા ટ્રૂડોના હવાલાથી કહેવામાં આવ્યું કે, "મેં ભારપૂર્વક કહ્યું કે આપણે કંઈક કરવાની જરૂર છે."
લાઓસમાં ટ્રૂડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે જે વિશે વાત કરી છે તેના વિશે હું વિગતવાર નહીં જણાવું, પરંતુ મેં ઘણી વખત કહ્યું છે કે કેનેડિયનોનું રક્ષણ કરવું અને કાયદાના શાસનને જાળવી રાખવું એ કોઈપણ કેનેડિયન સરકારની મૂળભૂત જવાબદારીઓ છે અને તેના પર હું ધ્યાન કેન્દ્રિત કરીશ."
જસ્ટિન ટ્રૂડો અને પીએમ મોદીની એક વર્ષ બાદ મુલાકાત
પીએમ મોદી અને જસ્ટિન ટ્રૂડો વચ્ચે આ મુલાકાત લગભગ એક વર્ષ બાદ થઈ છે. કેનેડાના પીએમએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. નિજ્જરે કેનેડામાં આશરો લીધો હતો અને તેને ત્યાંની નાગરિકતા આપવામાં આવી હતી.
'સંબંધ ત્યાં સુધી નહીં સુધરી શકે જ્યાં સુધી...'
સંક્ષિપ્ત બેઠક દરમિયાન આવી કોઈ ચર્ચા થઈ હોવાના દાવાને ભારતે ફગાવી દીધો છે. ભારતે કહ્યું કે, "ભારત કેનેડા સાથેના સંબંધોને મહત્વ આપે છે, પરંતુ જ્યાં સુધી કેનેડા સરકાર તે લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી ના કરે, જે સક્રીય રીતે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે અને જેમણે ભારતની સાથો સાથે કેનેડામાં પણ નફરત, ખોટી માહિતી, સાંપ્રદાયિક વિસંગતતા અને હિંસાને વધારવાનું ષડયંત્ર રચ્યું છે, ત્યાં સુધી સંબંધોમાં કોઈ સુધારો થઈ શકે નહીં."