'જો દેશ નહીં છોડે તો...' કેનેડાના રાજદ્વારીઓને ભારતનું 'અલ્ટીમેટમ', જાણો શું છે 'રાજદ્વારી છૂટ'

ભારતે કેનેડાના રાજદ્વારીઓને દેશ નહીં છોડે તો રાજદ્વારી છૂટનો અંત આણવા આપી છે ચીમકી

જાણો શું છે રાજદ્વારી છૂટ, કેવો હોય છે તેનો ફાયદો, છૂટ ખતમ થશે તો મુશ્કેલીમાં મૂકાશે કેનેડિયન રાજદ્વારી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
'જો દેશ નહીં છોડે તો...' કેનેડાના રાજદ્વારીઓને ભારતનું 'અલ્ટીમેટમ', જાણો શું છે 'રાજદ્વારી છૂટ' 1 - image

ભારત અને કેનેડા વચ્ચે વિવાદ (India canada Controversy) હજુ યથાવત્ છે. આ દરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી દીધું છે. એક અહેવાલ અનુસાર ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને (canada diplomats) પાછા બોલાવવા કહ્યું છે. હાલમાં ભારતમાં 62 કેનેડિયન રાજદ્વારીઓ છે.

ક્યાં સુધીનું આપ્યું છે અલ્ટીમેટમ? 

અહેવાલ મુજબ, અન્ય દેશોની તુલનામાં કેનેડાના નવી દિલ્હીમાં ઘણાં બધા રાજદ્વારીઓ છે. માહિતી અનુસાર ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા માટે 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો રાજદ્વારીઓ 10મી પછી અહીં રહેશે તો તમામ પ્રકારની ડિપ્લોમેટિક ઈમ્યુનિટી (રાજદ્વારીને મળતી છૂટ) (diplomatic immunity) ખતમ થઈ જશે.

આ રાજદ્વારી છૂટ શું છે?

જે લોકો વિદેશમાં રહીને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેમને રાજદ્વારી છૂટ આપવામાં આવે છે. તેનાથી વિદેશમાં આવા લોકોને કાયદાકીય રક્ષણ મળે છે. રાજદ્વારી છૂટની આ પરંપરા ઘણી જૂની માનવામાં આવે છે. આ તે દૂતને આપવામાં આવતી હતી જેઓ તેમના રાજાનો સંદેશ લઈને અન્ય રાજ્યોમાં જતા હતા. બ્રિટાનિકા અનુસાર, રાજદ્વારી છૂટના કાયદામાં રોમન સામ્રાજ્યમાં વધુ મજબૂતી લવાઈ હતી. આજે વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને આપવામાં આવતી છૂટ 1961ના વિયેના કન્વેન્શનથી શરૂ થઈ છે.

વિયેના કન્વેન્શન શું છે?

ભારત સહિત 187 દેશો વિયેના કન્વેન્શન માટે સંમત થયા હતા. તે અનુસાર તમામ 'રાજદ્વારી એજન્ટો' જેમાં ડિપ્લોમેટિક સ્ટાફ, વહીવટી, તકનીકી અને સેવા સ્ટાફનો સમાવેશ થાય છે. તે તમામને ગુનાહિત ક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિયેના કન્વેન્શન વિદેશમાં તહેનાત  રાજદ્વારીઓને સિવિલ કેસમાં પણ છૂટ આપે છે. જો કે મામલો ભંડોળ અને મિલકત સાથે સંબંધિત ન હોય તો. આ રાજદ્વારી છૂટ રાજદ્વારી અને તેના પરિવારને પણ મળે છે. ગંભીર ફોજદારી કેસમાં રાજદ્વારી પરિવારના કોઈ સભ્યને છૂટ મળતી નથી. 

'જો દેશ નહીં છોડે તો...' કેનેડાના રાજદ્વારીઓને ભારતનું 'અલ્ટીમેટમ', જાણો શું છે 'રાજદ્વારી છૂટ' 2 - image

રાજદ્વારી છૂટ સમાપ્ત થઈ શકે છે?

વિયેના કન્વેન્શનની કલમ 9 કહે છે કે કોઈપણ દેશ કોઈપણ સમયે રાજદ્વારી સ્ટાફના પ્રમુખ કે  કોઈપણ સભ્યને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી શકે છે. જો કોઈ દેશને લાગે છે કે રાજદ્વારી સ્ટાફના પ્રમુખ અથવા કોઈપણ સભ્ય વિશેષાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે અથવા રાજદ્વારી છૂટનો ગેરલાભ લઈ રહ્યો છે, તો તેની છૂટ રદ કરી શકાય છે.

રાજદ્વારી છૂટ સમાપ્ત કરવાનો અર્થ શું છે?

રાજદ્વારી છૂટ વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને કોઈપણ કિસ્સામાં ધરપકડમાંથી મુક્તિ આપે છે. જો કોઈ દેશનો રાજદ્વારી ગુનો કરે તો પણ તેની ધરપકડ કરી શકાતી નથી કે અટકાયત પણ કરી શકાતી નથી. વિયેના કન્વેન્શનની કલમ 29 કહે છે કે રાજદ્વારી એજન્ટોની અટકાયત અથવા ધરપકડ કરી શકાતી નથી. આ ઉપરાંત રાજદ્વારીઓની સુરક્ષા પણ સૌથી મોટી જવાબદારી છે.

જો કેનેડા સંમત ન થાય તો શું થશે?

રાજદ્વારી છૂટ સમાપ્ત થવાનો અર્થ એ થશે કે રાજદ્વારીઓ પણ ફરીથી સામાન્ય નાગરિક બની જશે. સિવિલ અને ફોજદારી કેસોમાં અટકાયત અથવા ધરપકડથી તેમની પાસે રહેલી છૂટ પણ  તેમને બચાવી નહીં શકે. 

ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ શું છે?

ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (justin trudeau) સંસદમાં ભારત પર ખાલિસ્તાની આતંકવાદી (khalistani) હરદીપ સિંહ નિજ્જર (hardeep singh nijjar)ની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોના આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંકટ ઉભું થયું હતું, જે અત્યાર સુધી ચાલુ છે. ટ્રુડોના આ નિવેદન બાદ કેનેડાએ ભારતના વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી ભારતે કેનેડાના રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા.


Google NewsGoogle News