લોરેન્સ બિશ્નોઈનો ડાબો હાથ ગોલ્ડી બરાડ આતંકી જાહેર, દેશવિરોધી તત્ત્વો સામે કેન્દ્રની કડક કાર્યવાહી

આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે ગોલ્ડીના સંબંધનો ખુલાસો

ગોલ્ડી મુસેવાલા કેસનો માસ્ટરમાઈન્ડ, 2021માં ભારતથી કેનેડા ભાગી ગયો હતો

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
લોરેન્સ બિશ્નોઈનો ડાબો હાથ ગોલ્ડી બરાડ આતંકી જાહેર, દેશવિરોધી તત્ત્વો સામે કેન્દ્રની કડક કાર્યવાહી 1 - image

નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2024, સોમવાર

Canada Based Indian Gangster Goldy Brar Declared Terrorist : કેન્દ્ર સરકારે કેનેડાથી ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કર્યો છે. સરકારે તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)નો ડાબો હાથ કહેવાતો ગોલ્ડી પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલા કેસ (Sidhu Moosewala Murder Case)નો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. તેના ઈશારે જ બિશ્નોઈ ગેંગના લોકોએ મુસેવાલાની હત્યા કરી હતી.

આતંકી સંગઠન સાથે ગોલ્ડીના સંબંધનો ખુલાસો

ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું અસલી નામ સતિંદર સિંહ ઉર્ફે સતિંદર સિંહજીત સિંહ છે. તે 2021માં ભારતથી કેનેડા ભાગી ગયો હતો. ત્યારથી તે ક્યારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહી ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો છે. તે ત્યાંથી એક મૉડ્યૂલ ચલાવી પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ઘટનાને અંજામ આપતો હતો. ગૃહમંત્રાલયના નોટિફિકેશનમાં ગોલ્ડીનો આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંબંધ હોવાનો જણાવ્યું છે.

લોરેન્સ બિશ્નોઈનો ડાબો હાથ ગોલ્ડી બરાડ આતંકી જાહેર, દેશવિરોધી તત્ત્વો સામે કેન્દ્રની કડક કાર્યવાહી 2 - image

ગોલ્ડીએ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી

મળતા અહેવાલો મુજબ ગોલ્ડી બરાડ પંજાબના શ્રી મુક્તસર સાહેબનો રહેવાસી છે. તેનો જન્મ 11 એપ્રિલ-1994માં થયો હતો. હાલ તે કેનેડાના બ્રામ્પટનમાં રહે છે. ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે જોડાયેલો ગોલ્ડી ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે. તેણે કેનેડામાં બેઠા બેઠા પંજાબી સિંગર મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર જાહેર કરી હત્યાની જવાબદારી પણ લીધી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે 28 મોટા ગેંગસ્ટરોની યાદી

કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ વિદેશમાંથી ષડયંત્ર રચનારા ગેંગની લાંબી તપાસ કર્યા બાદ એક યાદી તૈયાર કરી છે, જેમાં લગભગ 28 મોટા કુખ્યાત ગેંગસ્ટરોના નામ છે અને આવા તત્વો દેશની સુરક્ષા માટે પણ ખતરો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયને યાદી સોંપી દેવાઈ છે. આ ગેંગસ્ટર પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. એટલું જ નહીં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.


Google NewsGoogle News